મુલુંડમાં ગત સપ્તાહમાં બે અલગ-અલગ વાહન અકસ્માતમાં બે રાહદારીઓના કરૂણ મૃત્યુ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, દુઃખદ વાત તો એ છે કે બંને રાહદારીઓના મૃત્યુનું કારણ બનનારા બંને વાહનોના ચાલકોની અટકાયત કરીને બાદમાં તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે. જો તેમનો ગુનો સાબિત ન થાય તો તેઓ સજાને પાત્ર ઠરતા નથી.
પ્રથમ ઘટનામાં મુલુંડ (વે)માં ચેકનાકા પાસે સાંજે ૬.૩૦ કલાકે બસ ડેપો પાસે એક ૭૦ વર્ષીય મહિલા સુદામાદેવી ગુપ્તાને ઝડપી ગતિએ આવી રહેલી બેસ્ટની બસે કચડી નાખ્યા હતા. મુલુંડમાં સિદ્ધાર્થનગરમાં રહેતા સુદામાદેવી નજીકના ગાર્ડનમાં રાબેતા મુજબ વૉક માટે જતા હતા. સ્થાનિકોના કહેવા મુજબ સુદામાદેવી ભારે ટ્રાફિકથી બચવા માટે બેસ્ટ ડેપો નજીકના અંદરના રસ્તાનો ઉપયોગ કરતા હતા. ઘટનાને દિવસે તેઓ બગીચા તરફ વળવા જતા હતા ત્યારે બેસ્ટ બસના બેફામ ચાલકે તેમને ટક્કર મારી હતી. રાહદારીઓ તેમને પ્રથમ અગ્રવાલ અને ત્યારબાદ હીરામોંગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

બીજી ઘટનામાં મુલુંડ કોલોનીમાં ગુરુ ગોવિંદ સિંહ માર્ગ પર ચાલતી વખતે ડમ્પરની ટક્કરથી ૩૭ વર્ષીય સુરેશ રાજપૂતનું મૃત્યુ થયું હતું. ભાંડુપના રહેવાસી રાજપૂત ઘરે ફરી રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે આવી રહેલા ડમ્પરના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેને ટક્કર મારતા અગ્રવાલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોના ડરથી ડ્રાઈવર નાસી છૂટયો હતો. જોકે બાદમાં તેણે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. મુલુંડમાં એક પછી એક અકસ્માતોથી ગુસ્સે ભરાયેલા મુલુંડ કોલોનીના સ્થાનિકોએ વિરોધ પ્રદર્શનો કરીને રહેણાંક વિસ્તારોમાં ડમ્પર, પાણીના ટેન્કર અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
