લોકલ ટ્રેનના પ્રવાસીઓ ટ્રેનના ટાઇમટેબલ જોવા માટે વપરાતા એક જાણીતા એપ અને ક્યુઆર કોડનો પ્રવાસીઓ દુરુપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. લાખો મુંબઇગરાં દ્વારા વપરાતા આ એપમાં ચેટિંગ કરવાની સુવિધા પણ છે. જેમાં પ્રવાસીઓ સ્ટેશન ઉપર ટી.સીના ઠેકાણા વિશે મેસેજ કરીને પૂછી લેતા હોય છે અને અન્ય પ્રવાસીઓ તેમને આ જાણકારી આપતા ટિકિટ વિનાના પ્રવાસીઓ ટી.સીના હાથમાંથી છટકીને નીકળી જાય છે.
પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેશનો બહાર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. યુટીએસ એપ વડે પ્રવાસીઓ ક્યુઆર કોડમાંથી ટિકિટ કાઢી શકે છે પણ કેટલાંક પ્રવાસીઓ ક્યુઆર કોડના ફોટો મોબાઇલમાં પાડી રાખે છે અને વિના ટિકિટ પ્રવાસ કરે છે. દૂરથી ટી.સી દેખાય તો દંડમાંથી બચવા તરત જ ક્યુઆર કોડના ફોટાને સ્કેન કરીને ટિકિટ કાઢી લે છે.

એક જાણીતા મોબાઇલ એપમાં પ્રવાસીઓ ટ્રેનો સમયસર છે, મોડી છે, રદ થઇ છે કે અન્ય કોઇ સમસ્યા હોય તો તેની જાણકારી ચેટિંગમાં એકમેકને આપે છે પણ કેટલાંક પ્રવાસીઓ વિવિધ સ્ટેશનો પર ક્યાં ક્યાં ટી.સી ઉભા છે તેની લાઇવ અપડેટ આપતા હોય છે. જેનો ફાયદો મફતિયા પ્રવાસીઓ ઉઠાવે છે. પરિણામે નુકસાન રેલવેને થાય છે. આ વિશે એપ ચલાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે એપમાં કોઇ અશ્લીલ કે વાદવિવાદની વાતો થતી હોય તો તેઓ તેને હટાવી શકે પણ ટી.સી વિશે અપાતી માહિતીને કાઢી શકે નહીં.

