મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ગઠબંધન કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના પક્ષના મંત્રી શંભુરાજ દેસાઈએ માહિતી આપી છે કે, રાજ અને શિંદે વચ્ચે ચર્ચા થઈ ચૂકી છે. તેમના આ નિવેદનથી બધાનાં ભવાં ઊંચકાયાં છે.
રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધનની વાતો શરૂ થઈ ગઈ છે. આ સંબંધમાં ગુરુવારે શિવસેનાની વર્ષગાંઠ પ્રસંગે ઠાકરે સેનાના મુખપત્રમાં રાજ ઠાકરેને સાથે આવવાનો અનુરોધ કરાયો છે. આથી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે? આ અંગે રાજ્યમાં સતત તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. આવા સમયે શંભુરાજના વિધાનથી બધાનાં ભવાં ઊંચકાયાં છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય એકનાથ શિંદે લેશે એમ પણ સ્પષ્ટતા કરા છે.

શંભુરાજે કહ્યું કે એકનાથ શિંદે રાજ ઠાકરેના આમંત્રણ પર તેમના ઘરે રાત્રિભોજન માટે ગયા હતા. બંને વચ્ચે ચર્ચા થઈ છે. તેથી હવે જે નિર્ણય લેવાની જરૂર છે તે એકનાથ શિંદેએ લેવાનો છે.
અમે અમારી પાર્ટી એટલે કે શિવસેનાનો નિર્ણય લીધો છે. રાજકીય નિર્ણયો લેવાના તમામ અધિકારો, પછી ભલે તે રાજ્ય કારોબારી હોય કે રાષ્ટ્રીય કારોબારી, પાર્ટીના મુખ્ય નેતા એકનાથ શિંદેને આપવામાં આવ્યા છે.

