2019માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના પરિવારને રૂ. 1.15 કરોડની એકત્રિત ભરપાઈ આપવાનો થાણેમાં ધ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી) દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. દંપતીની 16 વર્ષની પુત્રીને રૂ. 75.29 લાખ અને મૃતક પુરુષના માતા- પિતાને પ્રત્યેકી રૂ. 20 લાખની ભરપાઈનો આદેશ ટ્રિબ્યુનલના મેમ્બર આર વી મોહિતેએ મંગળવારે આપ્યો હતો. આ અકસ્માત ટ્રક ડ્રાઈવરની બેદરકારીથી જ સર્જાયો હતો એવી નોંધ તેમણે કરી હતી.
દાવેદારના ધારાશાસ્ત્રી એસ જે તિવારીએ જણાવ્યું કે 2 ફેબ્રુઆરી, 2019ના રોજ વિક્રોલીમાં હાઈવે પર ફિરોઝશા મહેતા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. ખાનગી કંપનીમાં કામ કરતો એન્જિનિયર અક્ષય પ્રમોદ ગુપ્તા (34) અને તેની પત્ની આરતી (32) અને પુત્રી સ્કૂટર પર ધીમી ગતિથી જતાં હતાં. તે સમયે પાછળ પૂરપાટ ગતિથી આવતાં ટ્રકે સ્કૂટરને અડફેટે લીધું હતું.

ટક્કર એટલી જોરથી મારી કે સ્કૂટર પરથી દંપતી ઊથલી પડીને ટ્રકના પૈડાની નીચે જતું રહ્યું, જેમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મૃતકને તે માસિક રૂ. 65,000નો પગાર હતો. ટ્રક ડ્રાઈવર અકસ્માત પછી ભાગી ગયો હતો. વિક્રોલી પોલીસે ગુનો દાખલ કરીને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. આખરી સુનાવણીમાં ટ્રકનો માલિક આવ્યો નહોતો. આથી ટ્રિબ્યુનલે એકપક્ષી આદેશ આપ્યો હતો. ટ્રકની વીમા કંપનીએ જોકે દાવા વિરુદ્ધ વિવિધ કારણો આપ્યાં હતાં. ટ્રિબ્યુનલે સીસીટીવી ફૂટેજ, સાક્ષીદારોનાં નિવેદન સહિત પોલીસ તપાસ પર આધાર રાખીને ટ્રક ડ્રાઈવરની બેદરકારી કારણભૂત હોવાનું જણાવ્યું હતું.
ટ્રિબ્યુનલે અવલોકન કર્યું કે ટ્રક ડ્રાઈવર ગતિ કાબૂમાં લઈ શક્યો નહોતો. તેણે અકસ્માત ટાળવાની છેલ્લી તક પણ ગુમાવી દીધી હતી. ટ્રક માલિક અથવા વીમા કંપની પણ આ પ્રકરણમાં મૃતકની બેદરકારી હતી એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહીં. વળી, ટ્રકે સ્કૂટરને પાછળથી ઠોકર મારી હતી. આથી મૃતકે ટ્રકથી સુરક્ષિત અંતર રાખવાનો પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થતો નથી, એમ તેમણે જણાવ્યું હતું.

વીમા કંપનીએ ટ્રક ડ્રાઈવર પાસે લાઈસન્સ નહોતું એવી દલીલ કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલે તેને આધાર માન્યો નહોતો. ટ્રિબ્યુનલે અક્ષય અને તેની પત્નીના મૃત્યુ માટે અનુક્રમે રૂ. 92.34 લાખ અને રૂ. 22.95 લાખની ભરપાઈનો આદેશ આપ્યો હતો. અરજી નોંધાવ્યાની તારીખથી રકમ પ્રાપ્ત થાય ત્યાં સુધી 9 ટકા વ્યાજ દર સાથે ટ્રક માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે આ રકમ ચૂકવવા જણાવ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
