ગેરકાયદે ઉભા કરવામાં આવતા બાંધકામો સામે પગલા નહીં લેવાના અને કાયદા-નિયમોનો ભંગ કરતા બિલ્ડરો અને ડેવલપરોને રક્ષણ આપવાની સરકારની નીતિ છત્તી થઇ ગઇ છે આ કોઇ પણ રીતે સ્વીકાર્ય નથી એવું મંતવ્ય બોમ્બે હાઇકોર્ટે વ્યક્ત કરી પાલઘર જિલ્લાના અનધિકૃત બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
બોમ્બે હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ જસ્ટિસ એ.એસ. ગડકરી અને જસ્ટિસ કમલ ખાટાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે કાયદાના રખેવાળ નિષ્ક્રિય બની જાય ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિ ફૂલેફાળે છે અને સમાજમાં તંગદિલી ઉભી થાય છે. અને સામાજિક પોત મલીન બને છે.
ડિવિઝન બેન્ચે ૧૧મી જૂને ચુકાદો આપતા જણાવ્યું હતું કે સ્થાનિક સત્તાવાળા, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સક્ષમ અધિકારીઓ અનધિકૃત બાંધકામના મામલે રાબેતા મુજબ ડિમોલિશનની નોટિસ આપ્યા પછી આગળ કાર્યવાહી કરવાને બદલે બેસી રહે છે. જેણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેની સામે કાયદેસરના પગલાં પણ લેવામાં નથી આવતા.

બેન્ચે જણાવ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ પણ વસૂલ કરવામાં નથી આવતો. આવા કેસોનો નિકાલ આવતા દાયકાઓ વિતી જાય છે. આવી ગેરકાનૂની રીતરસમ માટે બિલ્ડરો, મ્યુનિસપલ અધિકારીઓ અને પોલીસો જવાબદાર છે. આમ છતાં આજ સુધી આ બધા દંડાત્મક પગલાથી બચતા રહ્યાં છે. આને લીધે જ ગેરકાનૂની પ્રવૃત્તિને ઉત્તેજન મળતું રહે છે. અમારા શહેરમાં પણ આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાને છાવરવામાં આવે એ ક્યારેય સ્વીકાર્ય ન ગણાય. કાયદાનો ભંગ કરવાવાળાને રક્ષણ આપવાની સરકારની બેમોઢાળી નીતિ છાની નથી રહી.
પાલઘરમાં ત્રણ જણે તેમની પાલિકાની જામીન પર ઉભા કરેલા બાંધકામને તોડી પાડવા માટે એક વ્યક્તિએ હાઇકોર્ટમાં ધા નાખી હતી. આ કેસમાં હાઇકોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
અરજદારે કહ્યું હતું કે પાલિકાના સત્તાવાળાઓ નોટિસ આપ્યા પછી ગેરકાયદે બાંધકામ સામે પગલાં લેવામાં નિષ્ફળ જતા તેણે હાઇકોર્ટમાં ધા નાખવી પડી હતી.
ગેરકાયદે બાંધકામ કરનારાને પાલિકાએ નોટિસ આપ્યા પછી તેમણે આ સ્ટ્રકચરને રેગ્યુલરાઇઝ કરવા માટે અરજી કરી હતી.

આ સંદર્ભમાં બેન્ચે જણાવ્યું હતું કે આવા કેસ અવારનવાર આવતા રહે છે. ઘણા લોકો પહેલાં પરવાનગી વગર અનધિકૃત રીતે બાંધકામ કરે છે અને પછી તેને રેગ્યુલરાઇઝ કરવા માટે અરજી કરે છે. પરંતુ પાલઘર જેવા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઇઝ કરી જ ન શકાય આ સાથે કોર્ટે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
