દહિસર-મીરા-ભાઈંદર મેટ્રો-9 રૂટનો દહિસરથી કાશીગાવ પ્રથમ તબક્કો અને અંધેરી પશ્ચિમ-મંડાલે, માનખુર્દ મેટ્રો-2બીનો ડાયમંડ ગાર્ડનથી મંડાલેનો પ્રથમ તબક્કો આખરે 3 એપ્રિલથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ બંને રૂટના પહેલા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવશે.
એ પછી શનિવાર 4 એપ્રિલથી પ્રવાસીઓ દહિસર-કાશીગાવ અને મંડાલે-ડાયમંડ ગાર્ડન રૂટ પર પ્રવાસ કરી શકશે. લોકાર્પણના બીજા દિવસે શનિવારે સવારે આ રૂટ સામાન્ય નાગરિકો માટે શરૂ કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે. દહિસર-કાશીગાવ તબક્કો શરૂ થયા પછી પ્રવાસીઓ કાશીગાવથી સીધા અંધેરી પશ્ચિમ અને ગુંદવલી સુધી અને વળતી દિશામાં પણ પ્રવાસ કરી શકશે. મેટ્રો-9 રૂટને દહિસર મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો-2એ (દહિસરથી અંધેરી પશ્ચિમ) અને મેટ્રો-7 (દહિસરથી ગુંદવલી) રૂટ સાથે જોડાણ આપવામાં આવ્યું છે. એ અનુસાર કાશીગાવ-અંધેરી પશ્ચિમ અને કાશીગાવ-ગુંદવલી મેટ્રો ચલાવવામાં આવશે. આ સંબંધી નિર્ણય ટૂંક સમયમાં એમએમઆરડીએ તરફથી જાહેર કરવામાં આવશે.
મેટ્રો-9 રૂટ પર દહિસર-કાશીગાવ અને મેટ્રો-2બી પર ડાયમંડ ગાર્ડન-મંડાલે તબક્કાનું કામ 2025માં જ પૂરું થયું હતું. આ બંને રૂટના પ્રથમ તબક્કાને સુરક્ષા પ્રમાણપત્ર મળી ગયું હતું. પણ રાજ્ય સરકારને લોકાર્પણ માટે સમય મળતો ન હોવાથી આ બંને રૂટ શરૂ કરી શકાયા નહોતા. આ રૂટનું વહેલાસર લોકાર્પણ કરવાની માગણી સતત કરવામાં આવતી હતી. આખરે આ રૂટના લોકાર્પણનું મૂરત નક્કી થયું છે.

મુખ્યમંત્રીના હસ્તે 3 એપ્રિલના લોકાર્પણ કરવામાં આવશે. તેથી હવે મુંબઈગરા દહિસર-કાશીગાવ અને ડાયમંડ ગાર્ડન-મંડાલે પ્રવાસ મેટ્રો દ્વારા કરી શકશે. લોકાર્પણ પછી બીજા દિવસે 4 એપ્રિલના સવારે આ રૂટ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યાની માહિતી મહાનગર આયુક્ત ડો. સંજય મુખર્જીએ આપી હતી. દહિસર-કાશીગાવ અને ડાયમંડ ગાર્ડન-મંડાલે દરમિયાન શનિવારથી મેટ્રો દોડશે. મુંબઈગરા ડાયમંડ ગાર્ડનથી મંડાલે સુધી ગણતરીની મિનિટમાં પ્રવાસ કરી શકશે.
મેટ્રો અને મોનોનું જોડાણ: બીજી તરફ મેટ્રો-2બી રૂટમાં ચેંબુર મેટ્રો સ્ટેશન એકબે મહિનામાં શરૂ કરવામાં આવશે. ચેંબુર મેટ્રો સ્ટેશનને ચેંબુરથી જેકબ સર્કલ મોનોરેલ રૂટના વીએનપી-આરસી માર્ગ જંકશન સ્ટેશન સાથે રાહદારી પુલથી જોડાણ આપવામાં આવશે. તેથી આગામી થોડા મહિનામાં મોનોરેલ શરૂ થશે ત્યારે પ્રવાસીઓ મેટ્રોમાંથી મોનોરેલ અને મોનોરેલમાંથી મેટ્રોમાં જઈને પ્રવાસ કરી શકશે.
આ બંને રૂટ શરૂ થવાથી પ્રવાસીઓને ટ્રાફિકથી છૂટકારો મળશે. બીજી તરફ મીરા રોડના નાગરિકોનું મેટ્રોનું સ્વપ્ન પૂરું થશે. મહત્વની વાત એટલે દહિસર-કાશીગાવ સુધી પ્રવાસીઓ મેટ્રોથી પ્રવાસ કરી શકશે અને એ સાથે જ સીધા ગુંદવલી અને અંધેરી પશ્ચિમ પહોંચી શકશે. મેટ્રો-9 રૂટનું દહિસર મેટ્રો સ્ટેશન અને મેટ્રો-7, મેટ્રો-2એનું દહિસર મેટ્રો સ્ટેશન એકબીજા સાથે જોડવામાં આવ્યું છે. કાશીગાવથી આવતી મેટ્રોનું સંચાલન આગળ ગુંદવલી અને અંધેરી પશ્ચિમ સુધી કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે. એ અનુસાર ટાઈમટેબલ તૈયાર કરવામાં આવ્યાની માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
