
મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે લાંબા સમયથી પડતર કચરાના નિકાલના મુદ્દામાં નોંધપાત્ર પ્રગતિ થવાની તૈયારી છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનરે ગયા અઠવાડિયે ખાતરી આપી છે કે સ્થળ પરનો તમામ પ્રોસેસ્ડ કચરો એક વર્ષમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. સહ્યાદ્રિ ગેસ્ટહાઉસ ખાતે BMCના કમિશનર ભૂષણ ગગરાણી દ્વારા સમીક્ષા-બેઠક દરમ્યાન આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મિહિર કોટેચાએ ભાર મૂક્યો હતો કે ડિસેમ્બર ૨૦૧૮માં બંધ કરેલા મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડને બાયો માઇનિંગ અને વૈજ્ઞાનિક કચરા-પ્રક્રિયા માટે બાયો માઇનિંગ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને સોંપવામાં આવ્યો હતો. ૭૩૧ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છ વર્ષમાં પૂરો થવાનો હતો, પરંતુ વિલંબથી ક્ષતિગ્રસ્ત થયો છે. એની સામે BMCએ દાવો કર્યો હતો કે ૬૫ ટકા કચરા પર પ્રક્રિયા કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન સાથે થયેલી બેઠકમાં BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ સ્વીકાર્યું હતું કે કોવિડના લોકડાઉનને કારણે પ્રોજેક્ટની સમયરેખા લંબાઈ હતી. તેમણે સમજાવ્યું કે કચરાનું પ્રોસેસિંગ આગળ વધ્યું હોવા છતાં ટ્રીટેડ મટીરિયલનું વાસ્તવિક સ્થાનાંતરણ હજી શરૂ થયું નથી. હાલમાં ૬૫ ટકા પ્રોસેસિંગ કાર્ય પૂરું કરી લીધું છે અને નિયુક્ત સ્થળ પર પ્રોસેસ્ડ કચરાનું ડમ્પિંગ ટૂંક સમયમાં શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા આગામી એક વર્ષમાં પૂરી થશે એવી માહિતી તેમણે આપી હતી. એક વાર સ્થળ સાફ થઈ જાય પછી મુલુંડને ૨૪ હેક્ટર ખુલ્લી જગ્યા પાછી મળશે. આ સમયે મિહિર કોટેચાએ ભાર મૂક્યો કે આ જમીનનો ઉપયોગ જાહેર સુવિધાઓ બનાવવા માટે કરવામાં આવશે. સમથળ વિસ્તાર પર ગોલ્ફ કોર્સ વિકસાવવાનો પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો. આ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિચારને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
મુલુંડનું ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૬૭થી ૨૦૧૮ સુધી સક્રિય હતું. એ શહેરનાં મુખ્ય કચરા નિકાલ સ્થળોમાંનું એક હતું. એના બંધ થવામાં બાયો-માઇનિંગ નામની વૈજ્ઞાનિક પદ્ધતિનો સમાવેશ થાય છે જે કચરા પર પ્રક્રિયા કરવા અને ઉપયોગી સામગ્રી કાઢવા માટે સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
