મુલુંડ, કાંદિવલી, વરલી અને ઉલ્હાસનગર ખાતે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓની મોટે પાયે ભરતી કરવામાં આવી હતી
થોડા મહિના પૂર્વે રાજ્ય કામગાર વીમા યોજના (ઈએસઆઈ) મહારાષ્ટ્રની બધી હોસ્પિટલોમાં વિવિધ પદો પર કામ કરવા માટે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ મોટે પાયે ભરતી કરવામાં આવ્યા હતા. મુંબઈમાં પણ કાંદિવલી, મુલુંડ, વરલી અને ઉલ્હાસનગર ખાતે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓની મોટે પાયે ભરતી કરવામાં આવી હતી. તેમાં નર્સીસ, લેબ ટેક્નિશિયન, ક્લાર્ક, સિપાહીઓ વગેરે પદો ભરવામાં આવ્યા હતા.

આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો અમુક હોસ્પિટલોમાં છેલ્લા ચાર મહિનાથી પગાર થયો નથી. અમુક હોસ્પિટલમાં પગાર થઈ રહ્યો છે પરંતુ તે અનિયમિત છે. અમુકને પગાર મળે છે તો અમુકને મળતો નથી. ચાર મહિના વીતવા છતાં પગાર હાથમાં નહીં આવવાથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓના જીવનનિર્વાહનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આથી આ બધા કર્મચારીઓએ ટૂંક સમયમાં આખો પગાર નિયમિત નહીં મળે તો કામ બંધ કરીને હડતાળ પોકારવાનો ઈશારો આપ્યો છે.
પ્રામાણિકતાથી અને સમયસર કામો કરવા છતાં વળતર મળતું નહીં હોવાથી કર્મચારીઓમાં નારાજી ફેલાઈ છે. પગાર મળતો નહીં હોવાથી કામ નહીં જોઈએ એવી મનઃસ્થિતિ કર્મચારીઓની બની ગઈ છે. ઈએસઆઈ હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવાથી આ પૂર્વે પગાર મોડો મળતો હતો.

