
સમૃદ્ધિ હાઇવેના ભિવંડી-આમણેથી ઇગતપુરી સુધીના છેલ્લા તબક્કાનું કામ પુરુ થયા બાદ ગયા અઠવાડિયે મુંબઇથી નાગપુર સુધીનો ૭૦૧ કિમીનો સમગ્ર હાઇવે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ હાઇવેને લઇ એક તરફ સત્તાધારીઓ પોતાની પીઠ થાબડી રહ્યા છે ત્યારે બીજી તરફ આ હાઇવે પર પાંખી પોલીસ સુરક્ષાને લીધે આ હાઇવે લૂંટારુંઓનો સોફટ ટાર્ગેટ બની ગયો હોવાની ફરિયાદો ઉઠી છે.
આ બાબતે પ્રતિક પાટીલ નામના એક યુવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમૂક વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં કઇ રીતે લૂંટારુંઓ હાઇવે પર પથ્થરમારો કરી વાહનચાલકોને લૂંટી રહ્યા છે તેની વિગત આપવામાં આવી છે.પ્રતિક પાટીલે પોસ્ટ કરેલા વિવિધ વિડિયોમાં આ ઘટનાઓ મુખ્યત્વે છત્રપતિ સંભાજીનગરથી ટનલ ક્રોસ કરી નાગપુર તરફ જતા બાર કિલોમિટરના વિસ્તારમાં બનતી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ લોકોની મોડ્સ ઓપરેન્ડી વિશે જણાવતા પાટીલે કહ્યું હતું કે આ લોકો મુખ્યત્વે રાતના સમયે વાહનચાલકોને ટાર્ગેટ બનાવે છે. રાતના અંધારામાં હાઇવેના નિર્જન વિસ્તારમાં વોચ રાખી આ લોકો એકલ-દોકલ જતા વાહનની વિન્ડશિલ્ડ પર પથ્થરમારો કરી જેવું કોઇ વાહન ઉભું રહે કે તરત છૂપાયેલા લૂંટારાઓ શસ્ત્રો સાથે ધસી આવે છે અને શસ્ત્રોની ધાકે સોનાના દાગીના, રોકડ આદિ લૂંટી લે છે. આ સિવાય ટ્રક, ટ્રેલર, ટેમ્પો જેવા વાહનોને લક્ષ્ય બનાવી કોઇ મોટી રકમ હાથ ન લાગે તો તેમાં રાખેલ કિંમતી સામાન ચોરી લેતા હોય છે. પાટીલે એવો પણ આરોપ કર્યો હતો કે હાઇવે પર સુરક્ષાની વ્યવસ્થા ખૂબ જ પાંખી છે પરિણામે લૂંટારુંઓને મોકળું મેદાન મળી ગયું છે.
પાટીલે તેને કાર પર થયેલ પથ્થરમારાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેના કારની વિન્ડશિલ્ડ તોડી કારમાં આવી પડેલો મોટા પથ્થર પણ દર્શાવવામાં આવ્યો છે. મુંબઇથી નાગપુર જતો આ રસ્તો ૭૦૧ કિ.મી લાંબો છે. પરંતુ તેના પર પેટ્રોલિંગનો અભાવ હોવાથી લૂંટારાઓને મોકળું મેદાન મળી ગયું છે.

બોઇસરના ડોક્ટર દંપતીએ ૧૧ લાખના દાગીના, રોકડ ગુમાવ્યાં
લગ્નમાં હાજરી આપી પાછા ફરતાં ચિકલથાણા પાસે લૂંટી લેવામાં આવ્યાં હતાં
સમૃદ્ધિ હાઇવે પર ગયા મહિને લગ્ન સમારંભમાં હાજરી આપી પાલઘર પાછા ફરી રહેલા બોઇશરના એક ડૉકટર દંપત્તિને છત્રપતિ શિવાજી નગરના ચિકલથાણા પાસે લૂંટી લેવામાં આવ્યા હતા. ડૉ. શિંગણે તેમના પત્ની અને માતા સાથે બોઇસર પાછા ફરી રહ્યા હતા ત્યારે ચિકલથાણા પોલીસ મથકની હદ્દમાં હાઇવે પર એક કાર તેમની કારની આડે આવીને ઉભી રહી હતી. આ લોકોએ ડૉકટર શિંગણેની કારને રોકી પોતે ઇન્સ્યુરન્સ કંપનીના માણસો હોવાનું જણાવી શસ્ત્રોની ધાકે ૧૧ લાખના દાગીના અને રોકડ લૂંટી લીધી હતી. ત્યાર બાદ શિંગણે દંપતિએ ચિકલથાણા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા લૂંટારુંઓ સામે ગુનો નોંધ્યો હતો.

