
અમે મહાયુતિ તરીકે એકત્ર મળીને જ લડીશું, મૂંઝવણમાં પડવાની જરૂર નથી, એમ આગામી ચૂંટણીમાં મહાયુતિ થશે કે કેમ તેની પરથી શંકા દૂર કરતાં ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
આ ધ્યાનમાં લેતાં રાજ્યના તમામ પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસૂલ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ મહાયુતિ આ ચૂંટણીઓ એકત્ર મળીને લડશે કે અલગથી, તે અંગે મોટું નિવેદન આપ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાયુતિ વિશે ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું, “અમે રાજ્યની બધી ચૂંટણીઓ મહાયુતિ તરીકે સાથે મળીને લડીશું. અમે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને આ સંબંધમાં આદેશો આપી દીધા છે. અમારા સ્થાનિક સ્તરના કાર્યકરો એકબીજા સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છે. જો કોઈ જગ્યાએ બેઠકને લઈને વિવાદ ઊભો થાય છે, તો તે જગ્યાએ મૈત્રીપૂર્ણ લડાઈ થશે. જોકે અન્ય જગ્યાએ મહાયુતિમાં ચૂંટણીઓ લડવામાં આવશે, તેથી મૂંઝવણમાં પડવાની જરૂર નથી.”
આ દરમિયાન, અજિત પવારની રાષ્ટ્રવાદીના નેતા પ્રફુલ્લ પટેલે મહાયુતિ વિશે વાત કરતા કહ્યું કે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે મળીને લડીશું, જ્યાં શક્ય હોય ત્યાં મહાયુતિ બનાવવામાં આવશે. જોકે જ્યાં શક્ય ન હોય ત્યાં અમે અમારી પોતાની તાકાત પર લડીશું.

