ડોમ્બિવલીમાં ૭૩ વર્ષીય વૃદ્ધાને લગ્નનું વચન આપી ૬૨ વર્ષીય વૃદ્ધે રૃા. ૫૭ લાખની છેતરપિંડી કરી હતી. પુણેમાં એક સાથે રહેવા ફ્લેટ ખરીદવાના સ્વપ્ન દાખવીને આરોપીએ રૃા. ૩૫ લાખ પડાવ્યા, ૨૦ લાખના દાગીના ચોરી કર્યા, ડેબિટ કાર્ડ ચોરી બેંક ખાતામાંથી રૃા. ૨.૪ લાખ કાઢી લીધા હતા. વૃદ્ધા પાસે આરોપી વૃદ્ધની જરૃરી ચોક્કસ માહિતી ન હોવાનું કહેવાય છે. પોલીસે તેને પકડવા વધુ તપાસ આદરી છે.
વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિવેક કુમુટકરે જણાવ્યું હતું કે ડોમ્બિવલીના નાના શંકરશેઠ રોડ પરથી એક હાઉસિંગ સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ એક અખબાર પ્રકાશિત થયેલી લગ્ન સંબંધિત જાહેરાત વાંચીને ૬૨ વર્ષીય વૃદ્ધનો સંપર્ક કર્યો હતો.
બંને નિયમિત રીતે વાત કરવા લાગ્યા હતા તેમની મુલાકાત શરૃ થઇ હતી. આરોપીએ પીડિતાનો વિશ્વાસ મેળવી લીધો હતો. તેણે વૃદ્ધાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પુણેમાં એક સાથે રહેવા ફ્લેટ ખરીદવાના સ્વપ્ન દાખવ્યા હતા. પછી વૃદ્ધાને રૃા. ૩૫ લાખ ટ્રાન્સફર કરવા માટે સમજાવી લીધા હતા. આરોપીએ ખાતરી આપવા માટે બનાવટી રસીદો અને પ્રોપર્ટીના નકલી દસ્તાવેજો આપ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.

થોડા સમય માટે તે વૃદ્ધાના ઘરે રહેવા આવ્યો હતો. દરમિયાન લગભગ રૃા. ૨૦ લાખના સોનાના દાગીના ચોરી લીધા હતા. તેણે ડેબિટ કાર્ડ પણ ચોરી લીધું હતું. તેનો ઉપયોગ કરીને રૃા. ૨.૪ લાખ ઉપાડી લીધા હતા. આમ તેણે વૃદ્ધા સાથે રૃા. ૫૭.૪૦ લાખના છેતરપિંડી કરી હતી. તે વૃદ્ધાનો સંપર્ક કરવાનું ટાળતો હતો. પછી અચાનક ગાયબ થઇ ગયો હતો. હાલમાં તેનો કોઇ પત્તો નથી. વૃદ્ધા પાસે તેની જરૃરી ચોક્કસ માહિતી ન હોવાનું કહેવાય છે.
પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે ભારતીય ન્યાયસંહિતાની કલમ ૩૧૬ (૨), ૩૧૮ (૨), ૩૦૫, ૩૩૬ (૨), ૩૩૬ (૩), ૩૩૮, ૩૪૦ (૨) હેઠળ આરોપી વૃદ્ધ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. અંતે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

