મુંબઈમાં ડાન્સ બાર મોડી રાત સુધી ખુલ્લેઆમ ચાલતા હોવાની માહિતીના આધારે રવિવારે મધરાત્રે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંધેરી બાર પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 40 બારબાળાઓ ડાન્સ કરતી અને અશ્લીલ ચેનચાળા કરતી જોવા મળ્યા બાદ એમઆઈડીસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અંધેરીના મરોલમાં નાઈટ લવર ઓર્કેસ્ટ્રા બારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા બાદ પશ્ચિમ ક્ષેત્રના વધારાના પોલીસ કમિશનર પરમજીત સિંહ દહિયા દ્વારા એમઆઈડીસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજીવ ચવ્હાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોપર્ટી સેલ અને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2 ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. બારમાં 40 થી વધુ બારબાળા મળી આવી હતી, જે આવા ઓર્કેસ્ટ્રા બારને ચલાવવાની મંજૂરી આપતા નિયમો અને કાયદાઓનું ઘોર ઉલ્લંઘન છે.

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીના આધારે બાર રનર સામે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એમઆઈડીસી પોલીસ સ્ટેશનના વડા ચવ્હાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે બાર તેમના અધિકારક્ષેત્રમાં કાર્યરત હતો, દહિયાએ પુષ્ટિ આપી હતી.
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન એક બારમાં 40 બારબાળા મળવી એ નાની વાત નથી અને તે દર્શાવે છે કે, બાર માલિક કાયદા અમલીકરણ અધિકારીઓથી ડરતો ન હતો અને નિર્ભયતાથી પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે આવી કડક કાર્યવાહીથી અન્ય પોલીસ સ્ટેશનના વડાઓને પણ સતર્ક રહેવા અને તેમના સંબંધિત અધિકારક્ષેત્ર હેઠળના મથકોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાનો મજબૂત સંદેશ જશે.

