
ઇકો- સેન્ઝીટીવ ઝોનમાં આવેેલા હિલસ્ટેશન માથેરાનમાં હાથરિક્ષા ખેંચવાની અમાનવીય પ્રથા બંધ કરવાનો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો છે. સુપ્રીમે તમામ હાથ રિક્ષા ધારકોને ઈ રિક્ષાના પરવાના આપવાની શક્યતા ચકાસવા જણાવ્યું છે. હાથ રિક્ષાના સ્થાને તમામ ઈ રિક્ષા જ દોડવી જોઈએ તેમ સુપ્રીમે જણાવ્યું છે.
ગિરીમથક માથેરાનમાં મોટર- વાહનો પર પ્રતિબંધ છે. એટલે અનેક દાયકાઓની હાથરિક્ષા અને ઘોડા પર વહેવાર ચાલે છે. અગાઉ હાથ રિક્ષાની જગ્યાએ ઈ રિક્ષાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેમાં ઈ રિક્ષા માટે ૨૦ પરવાના અપાયા હતા. માથેરાનમાં હાથ રિક્ષાના કુલ ૯૪ પરવાના ધારકો હતા. તેમાંથી ૨૦ને પાયલોટ પ્રોજેક્ટમાં પરવાના અપાયા બાદ બાકીના ૭૪ને પણ ઈ રિક્ષાના પરવાના આપવાની શ્રમિક હાથરિક્ષા ચાલક સંગઠન ની લાંબા સમયથી માગણી હતી.

જોકે, બધા જ હાથરિક્ષાવાળાને ઇ- રિક્ષાના લાયસન્સ આપવા સામે ઘોડાવાળાના અશ્વપાલ સંગઠને વિરોધ કર્યો હતો. પરિણામે આ વિવાદ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટીસ ભૂષણ ગવઇએ હાથરિક્ષાવાળાને ઇ- રિક્ષા આપવા અંગેનો અહેવાલ બે અઠવાડિયામાં કોર્ટને સુપરત કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. ઉપરાંત સ્થાનિકોને ઇ- રિક્ષા ખરીદવા માટે આર્થિક સહાયની વિચારણા કરવાનું પણ જણાવ્યું છે. પર્યટકોને અને સ્થાનિક રહેવાસીઓને ઇ- રિક્ષાથી ઘણો ફાયદો થશે અને પર્યાવરણને નુકસાન પણ નહી થાય એમ શ્રમિક હાથરિક્ષા સંગઠનના શકીલ પટેલ અને સચિવ સુનીલ શિંદેએ જણાવ્યું હતું.
ગુજરાતના એક્તા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જે રીતે પર્યાવરણને અનુકૂળ ઇ- રિક્ષા દોડાવવામાં આવે છે એવી જ રીતે ઇકો- સેન્ઝીટીવ હિલ-સ્ટેશન માથેરાનમાં ઇ- રિક્ષા દોડાવવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્થાનિક મહિલાઓને ઇ- રિક્ષા ભાડેથી ચલાવવા માટે આપવામાં આવી છે અને આ રીતે તેમને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આને લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા ટુરિસ્ટોને ઘણી રાહત થઇ છે અને આ રિક્ષાને લીધે પ્રદૂષણ પણ ફેલાતું નથી. એટલે ગિરીમથક માથેરાનના પર્યાવરણને દૂષિત ન કરે એવી ઇ- રિક્ષા દોડાવવાની હિમાયત અદાલતે કરી છે. આ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઇ- રિક્ષા મોડેલનો અભ્યાસ કરવાનું સરકારને સૂચવ્યું છે.

For more details… Contact 9322529232 / 9324483455
