મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિંદે શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલું અસંતોષનું નાટક બુધવારે ફરી એકવાર ઉગ્ર દેખાયું હતું. બહારથી સબ સલામતની વાતો બંને પક્ષના આગેવાનો કરી રહ્યા છે, પરંતુ વાંરવાર સતાધારી યુતિના બે મહત્વના ઘટક પક્ષો વચ્ચે અંદરખાને નારાજગી જોવા મળી રહી છે
. છેલ્લા બે દિવસમાં નારાજગીનો આ સિલસિલો બહાર આવ્યો છે. હવે વિરોધી પક્ષોના નેતાઓએ પણ આ મામલે કટાક્ષ શરૂ ર્ક્યાં છે.મંગળવારની કેબિનેટ બેઠકમાં શિંદે જૂથના મંત્રીઓએ ભાજપ પર પદાધિકારીઓના ફોડાફોડના ગંભીર આક્ષેપો કરી બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બાદમાં શિંદે સ્વયં પોતાના મંત્રીઓ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા. આ મુલાકાત દરમિયાન ફડણવીસે શિંદે જૂથના મંત્રીઓને કડક શબ્દોમાં અટકાવી જણાવ્યું હતું કે, ઉલ્હાસનગરમાંથી તો શિવસેનાએ જ અમારા કાર્યકરોને તોડવાની શરૂઆત કરી. મહાયુતિના બધા પક્ષોએ એકબીજાના પદાધિકારીઓને ન તોડવાના નિર્દેશ પણ આપ્યા હતા. એટલા માટે રાજકારણમાં સ્થિતિ સામાન્ય બને તેવી આશા હતી.

પરંતુ બુધવારે પરિસ્થિતિમાં નવો વળાંક મળ્યો. મુંબઈમાં પોલીસ વિભાગના એક મહત્વના સરકારી કાર્યક્રમમાં ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે ત્રણેય નેતાઓ હાજર રહેવાના હતા. આમંત્રણ પત્રિકામાં તેમના નામ પણ હતા, પરંતુ શિંદે અંતિમ ક્ષણે કાર્યક્રમથી દૂર રહ્યાં. તેઓ કાર્યક્રમમાં કેમ આવ્યા નહીં તે અંગે શિંદે પક્ષની તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલે છે કે, મંગળવારના ઘટનાને કારણે શિંદે નારાજ છે અને તે જ અસંતુષ્ટિ બુધવારે પણ દેખાઈ.
શિંદે જૂથની નારાજગી પાછળનું મુખ્ય કારણ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી માનવામાં આવે છે. ભાજપ શિંદે શિવસેનાના નેતાઓ અને પદાધિકારીઓને સતત પોતાના પક્ષમાં ખેંચી રહ્યો હોવાનો આક્ષેપ શિંદે જૂથ કરી રહ્યો છે. કલ્યાણ–ડોમ્બિવલીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચૌહાણની હાજરીમાં વામન મ્હાત્રેના પુત્ર અનમોલ મ્હાત્રે અને તેમની પત્ની સહિત સેકડો શિંદે શિવસેના કાર્યકરો ભાજપમાં જોડાયા. આ પગલું શિંદેના પુત્ર તથા સાંસદ શ્રીકાંત શિંદે માટે સીધો રાજકીય ઝટકો ગણાય છે. પરિસ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે, મહાયુતિમાં ચાલતો તણાવ હજી શાંત થતો નથી અને આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે.

ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે દિલ્હીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. એવા અહેવાલ છે કે, તેઓ ત્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓને મળશે અને તેમની સાથે રાજ્યના રાજકીય વિકાસ અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય ભાજપ સાથે વધતા જતા તણાવ વચ્ચે શિંદે બીજા જ દિવસે દિલ્હીની મુલાકાતે પહોચી ગયા છે.
For more details… Contact 9322529232 / 9324483455
