પવઈમાં ૮૨ વર્ષના નિવૃત્ત આઈઆઈટી પ્રોફેસરને ત્યાં કેરટેકર તરીકે કામ કરવા આવેલી મહિલાએ તેમને અંધારામાં રાખી ત્રણ ફલેટ સહિત છ કરોડની સંપત્તિ પચાવી પાડી હતી. મહિલાએ આ વૃદ્ધ પ્રોફેસરને છળપૂર્વક વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા. સોસાયટીએ શેર ટ્રાન્સફર માટે પુણે રહેતા પ્રોેફેસરના પુત્રને જાણ કર્યા બાદ પુત્ર પવઈ આવ્યો હતો ત્યારે તેને જાણ થઈ હતી કે પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈ સંપત્તિ હડપ કરી લેવામાં આવી છે. પવઈ પોલીસે આ મહિલા સામે કેસ દાખલ કર્યો છે.
પવઈ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)ના નિવૃત્ત પ્રોફેસરનો પુણે શહેર નજીક પિંપરી વિસ્તારમાં રહેતો પુત્ર ગયા મહિને તેના પિતાને મળવા મુંબઈ આવ્યો હતો.પિતાની સંભાળ રાખતી મહિલાએ ફેબુ્રઆરી ૨૦૨૫માં તેમને વિક્રોલીના એક વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હોવાની પુત્રને જાણ થઈ હતી.પછી પુત્ર ત્યાં ગયો અને તેમને મળ્યો હતો.આ ઘટના જાણ્યા પછી તે પિતાને તેમના પવઈના ફ્લેટમાં પાછો લઈ ગયો અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે નિવૃત્ત પ્રોફેસર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કેરટેકર મહિલા નિકિતા નાઈક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. ગત જાન્યુઆરીથી ૨૦૧૭થી ગત સાતમી મે સુધીમાં મહિલાએ આ પ્રોફેસરની છ કરોડની સંપત્તિ પચાવી પાડી હતી.
નિવૃત્ત પ્રોફેસર પવઈના હીરાનંદાની ગાર્ડન ખાતે ગ્લેન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં એકલા રહેતા હતા. તેઓ ૨૦૧૭માં યોગ કરવા માટે બગીચામાં જતા હતા તે સમયે નિકિતા સાથે ઓળખાણ થઈ હતી.ત્યારબાદ તે વારંવાર ફરિયાદીના ફ્લેટમાં આવવા લાગી અને તેમને વિશ્વાસમાં લીધા હતા.પછી તે ફ્લેટમાં તેમના કેરટેકર તરીકે રહેવા લાગી અને રોજિંદા કામકાજમાં મદદ કરવા લાગી હતી, એમ પોલીસે કહ્યું હતું.
એપ્રિલમાં મહિલા તેમને કાનૂની સહાય પૂરી પાડવાના બહાને રજિસ્ટ્રેશન આફિસમાં લઈ ગઈ અને વૃધ્ધની જાણ વિના દસ્તાવેજો પર સહી કરવાનું કહ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે નિકિતા નાઈકે તેમની મિલકતનો ત્રીજો ભાગ ગિફ્ટ ડીડ તરીકે પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યો હતો.

આરોપી નિકિતાએ મિલકત સંબંધિત દસ્તાવેજો, સોનાના ઘરેણાં, સહી કરેલા ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પોતાના કબ્જામાં લઈ લીધા હતા.. અધિકારીએ ઉમેર્યું કે, નિવૃત્ત પ્રોફેસરની હાઉસિંગ સોસાયટીએ તેના પુત્રને મહિલાના નામે શેર સટફિકેટ ટ્રાન્સફર કરવા માટે અરજી મળી હોવાની જાણ કર્યા પછી મામલાની ખબર પડી હતી.
