મુંબઈ, થાણે, વસઈ-વિરારને સમાવતાં પાલઘર જિલ્લા ઉપરાંત નવી મુંબઈ અને થાણેમાં આવતીકાલ માટે પણ હવામાન ખાતાંએ રેડ એલર્ટ જારી કરી ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરતાં સમગ્ર મુંબઈ મેટ્રો પોલિટન રિજિયનનનાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ તથા તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગયાં છે. આવતીકાલે મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, મીરા ભાયંદર, વસઈ વિરારની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

રવિવારની મધરાતથી સોમવારની બપોર સુધીમાં મુંબઈ સહિત સમગ્ર એમએમઆરમાં છથી આઠ ઈંચ વરસાદ પડયો હતો. મુંબઈના ચેમ્બુરથી વરલી વચ્ચેના પટ્ટામાં ફક્ત ચાર જ કલાકમાં છ ઈંચ વરસાદ થયો હતો. આથી સમગ્ર મુંબઈ જળબંબાકાર બની ગયું હતું. મુંબઈમાં સોમવારે ઓરેન્જ એલર્ટ અપાયો હતો તે અપગ્રેડ કરીને રેડ એલટ અપાયા બાદ શાળા કોલેજો તથા સરકારી કચેરીઓ બપોર પછી છોડી મૂકાયાં હતાં. પરંતુ, આવતીકાલે મંગળવાર માટે તો રેડ એલર્ટની આગાહી આગોતરી જ થઈ ચૂકી હોવાથી છેલ્લી ઘડીએ ઉંઘતા ન ઝડપાઈ જવાય તે માટે સમગ્ર એમએમઆરમાં આવતીકાલેૈ શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચનાઓ સંબંધિત તંત્ર-વિભાગો દ્વારા પ્રગટ કરી દેવાઈ હતી. મુંબઈ મહાપાલિકા, થાણે મહાપાલિકા, વસઈ વિરાર મહાપાલિકા, થાણે જિલ્લા પરિષદ સહિતના સત્તાવાળાઓએ પોતપોતાના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં શાળા-કોલેેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી.
તા. ૧૯મી ઓગસ્ટે આયોજીત પરીક્ષાઓ તથા તમામ ઈવેન્ટસ પણ રદ કરવા જણાવાયું છે. આવતીકાલે લોકોને બિનજરુરી મુસાફરી ટાળવા અને પૂરતી તકેદારી રાખવા જણાવાયું છે.

નવી મુંબઈ અને પનવેલ વિસ્તારોની તમામ મેનેજમેન્ટ અને પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક/ખાનગી સહાયિત/બિન-સહાયિત શાળાઓના તમામ માધ્યમોના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓને આવતીકાલે રજા આપવામાં આવી છે. ઉપરાંત, નવી મુંબઈ મહાપાલિકાએ વરસાદને કારણે આજે પણ શાળાઓમાં રજા જાહેર કરી હતી.
બીજી તરફ થાણે મહાપાલિકા તથા કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે આ રજા વિદ્યાર્થીઓ માટે જ છે. શિક્ષકો તથા બિન શિક્ષક કર્મચારીઓએ રાબેતા મુજબ ફરજ પર હાજર થવાનું છે.
વધુમાં થાણે, કલ્યાણ -ડોંબિવલી મહાપાલિકા અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓ આજે બપોરના સત્રમાં પણ ચાલુ હોવાથી વરસાદ સતત ચાલુ રહેતા રજા જાહેર કરવા સહિત શાળા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં મદદ કરે. દરમિયાન આચાર્યો અને શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી દરેક વિદ્યાર્થીને ઘરે મોકલવામાં ન આવે ત્યાં સુધી શાળાના મુખ્ય મથક પર હાજર રહે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
