
થાણેના ૮૦ વર્ષના વૃદ્ધ નિવૃત્ત સરકારી અધિકારએ ડિજિટલ એરેસ્ટમાં ૪.૨ કરોડ રૂપિયાની રકમ ગુમાવી હતી. ફ્રોડસ્ટરોએ અધિકારી હોવાનો ઢોંગ કરી, કાનૂની ધમકીઓ આપી વૃદ્ધ નિવૃત્ત અધિકારીને તેમની જીવનભરની બચત ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા. વૃદ્ધ પર દબાણ લાવવા માટે નકલી સુપ્રીમ કોર્ટની સુનાવણી પણ યોજી હતી. વૃદ્ધ અધિકારી ફ્રોડસ્ટરોની આ મોડસ ઓપરેન્ડીથી સાવ અજાણ હતા અને ફ્રોડસ્ટરોના જાળમાં સપડાઈ તેમણે મસમોટી રકમ ગુમાવી હતી.
આ સંદર્ભે વૃદ્ધે થાણેના કાપુરબાવડી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ રાજ્ય સરકારના સંવર્ધન વિભાગમાંથી નિવૃત્ત થયા છે ૧૪ એપ્રિલના રોજ તેમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ તેની ઓળખ ટેલિકોમ વિભાગના અધિકારી તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરી નરેશ ગોયલના નામથી એક બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું અને આ ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો

આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફોન કરનાર વ્યક્તિએ વધુમાં એવો આરોપ લગાવ્યો હતો કે તેમની વિરુદ્ધ મુંબઈના કુર્લા પોલીસ મથકમાં એક દુકાનદારને ધમકાવવાના આરોપસર પણ એફઆઈઆર કરવામાં આવી છે. વૃદ્ધ પર વધુ દબાણ લાવવા બીજા એક વ્યક્તિને કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેણે દાવો કર્યો હતો કે તેમની સામે સુપ્રીમ કોર્ટનું એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ત્યારબાદ વૃદ્ધને એવી ચેતવણી આપવામાં આવી હતી કે હવે તેમને આગામી કોર્ટની સુનાવણી સુધી વીડિયો સર્વલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે આગળ જણાવ્યું હતું કે ફ્રોડસ્ટરોએ કોર્ટની કાર્યવાહી દર્શાવતો એક વિડિયો કોલ પણ ગોઠવ્યો હતો જે દરમિયાન જજ હોવાનો ડોળ કરતી એક વ્યક્તિએ પીડિતને સાત દિવસની રિમાન્ડની સજા ફટકારી હતી.
આ લોકોએ પીડિતને જણાવ્યું હતું કે તેઓ સતત દેખરેખ હેઠળ છે અને તેમના નિવાસસ્થાનમાંથી બહાર નીકળી નહિ શકે. ત્યારબાદ પીડિત પર દબાણ લાવી તેમના બેંક ખાતામાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ભેજાબાજોએ આ સમગ્ર નાણાં વેરિફિકેશન હેતુ માટે સરકાર નિયંત્રિત એકાઉન્ટમાં ખસેડવાનું જણાવી આ ફ્રોડ આચર્યું હતું.

વૃદ્ધની ફરિયાદના આધારે કાપુરબાવડી પોલીસે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
