રેલવેમાં વરિષ્ઠ નાગરિકોનો પ્રવાસ આરામદાયક થાય એ માટે લોકલનો લગેજ ડબ્બો વરિષ્ઠ નાગરિકો માટે અનામત કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેએ માટુંગા કારખાનામાં લોકલના લગેજ ડબ્બામાં ફેરફાર કરીને વરિષ્ઠ નાગરિકો માટે સ્વતંત્ર આકર્ષક ડબ્બો તૈયાર કર્યો છે. મધ્ય રેલવેની દરેક લોકલમાં પ્રવાસીઓની સખત ગિરદી હોય છે. લોકલમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ ડબ્બાઓ સહિત મહિલાઓ, દિવ્યાંગ અને માલસામાન માટે સ્વતંત્ર ડબ્બા હોય છે.
ગર્ભવતી મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે લોકલના ડબ્બામાં કેટલીક સીટ અનામત હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે ગિરદીમાં પ્રવાસ કરવો મુશ્કેલ થાય છે.
લોકલની ગિરદીનો વિચાર કરીયે તો વરિષ્ઠ નાગરિકો માટે તેમના માટેની અનામત સીટ સુધી પહોંચવું જ મુશ્કેલ હોય છે. તેથી મધ્ય રેલવેએ લોકલના લગેજ ડબ્બામાં ફેરફાર કરીને વરિષ્ઠ નાગરિકો માટે સ્વતંત્ર ડબ્બો તૈયાર કર્યો છે. એક લોકલ રેકમાં આવો ડબ્બો તૈયાર થયો છે અને આગામી સમયમાં બધી લોકલ રેકના લગેજ ડબ્બામાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રેલવે મંડળના નિર્દેશ અનુસાર માટુંગા કારખાનાની ટીમે લોકલના લગેજ ડબ્બાનું રૂપાંતર કરીને વરિષ્ઠ નાગરિક પ્રવાસીઓ માટે સ્વતંત્ર ડબ્બો તૈયાર કર્યો છે. આ ડબ્બાના લીધે લોકલમાં ચઢતા, ઉતરતા વરિષ્ઠ નાગરિકોની અડચણ ઓછી થશે. તેમનો પ્રવાસ આરામદાયક અને સુરક્ષિત થશે એવી માહિતી મધ્ય રેલવે પ્રશાસને આપી હતી.
નવા ડબ્બાની વિશિષ્ટતા : લગેજ ડબ્બામાં ફેરફાર કરીને વધારાની સીટીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આ ડબ્બામાં 13 પ્રવાસીઓ બેસી શકે એટલી સીટ લગાડવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષિતતા વધારવા દરવાજાના પાયદાન નીચે આપત્કાલીન સીડી લગાડવામાં આવી છે. લગેજ ડબ્બાના દરવાજા વચ્ચે થાંભલો નહોતો પણ ડબ્બામાં ફેરફાર કરીને બંને દરવાજા પાસે થાંભલો લગાડવામાં આવ્યો છે.
કોર્ટમાં અરજી થઈ હતી : મુંબઈ ઉપનગરીય ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકોએ પ્રવાસ કરતા સમયે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમની સમસ્યાના નિરાકરણ માટે, દિવ્યાંગ પ્રવાસીઓ પ્રમાણે વરિષ્ઠ નાગરિકો માટે સ્વતંત્ર ડબ્બો ઉપલબ્ધ કરવાની માગણી મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દ્વારા કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો માટે લોકલમાં સ્વતંત્ર ડબ્બો ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવું આશ્વાસન રેલવે પ્રશાસને કોર્ટને આપ્યું હતું. તેમ જ વહેલાસર વર્કઓર્ડર આપવાનો આદેશ કોર્ટે રેલવે પ્રશાસનને આપ્યો હતો. એ પછી પશ્ચિમ રેલવે પ્રશાસને આ કામની શરૂઆત કરી અને હવે મધ્ય રેલવેએ પણ શરૂઆત કરી છે.

પશ્ચિમ રેલવેમાં 27 સીટ : કોર્ટના નિર્દેશ બાદ પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ તરફથી સાતમો ડબ્બો જે લગેજનો હતો એમાં ફેરફાર કરીને વરિષ્ઠ નાગરિકો માટે અનામત રાખ્યો છે. આ ડબ્બામાં 13 વધારાની સીટ લગાડીને કુલ 27 જણ માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત કુલ 91 પ્રવાસીઓ ઊભા રહી શકશે. 105 રેકના લગેજ ડબ્બામાં ફેરફાર થશે. આ કામ એક વર્ષમાં પૂરું કરવાનો ઉદ્દેશ છે.
For more details… Contact 9322529232 / 9324483455
