હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રના હવામાનમાં ઉનાળાની શરૃઆતમાં જ ભારે તોફાની પલટો આવે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
આવતા ૨૪ કલાક (૨,એપ્રિલ) દરમિયાન મુંબઇમાં સાંજે મેઘગર્જના,વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાવાની શક્યતા છે.
છેલ્લા ત્રણેક દિવસની રાહત બાદ આજે બપોરે મુંબઇગરાંને ફરીથી ગરમી -ઉકળાટનો અનુભવ થયો હતો.આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૫ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૭.૭ અને લઘુત્તમ તાપમાન ૨૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે મુંબઇના મહત્તમ તાપમાનમાં ૪.૫ ડિગ્રીનો સીધો વધારો થયો હતો. વળી, આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧-૭૭ ટકા,જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૯ -૭૭ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું.

બીજીબાજુ આવતા ચાર દિવસ(૨થી ૫,એપ્રિલ) દરમિયાન મહારાષ્ટ્રના નવ જિલ્લામાં મેઘગર્જના,વીજળીના કડાકાભડાકા,તીવ્ર પવન(૪૦-૫૦ કિ.મી.-પ્રતિકલાક) , કરા પડવાસાથે મધ્યમથી હળવી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
રાજ્યના નાશિક,અહિલ્યાનગર, પુણે, સાતારા,છત્રપતિ સંભાજીનગર,જાલના,બીડ, અમરાવતી, ચંદ્રપુર એમ નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.
આવતા ચાર દિવસ(૨થી ૫,એપ્રિલ) દરમિયાન કોંકણ(થાણે,પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર(ધુળે,નંદુરબાર, જળગાંવ,નાશિક, અહિલ્યાનગર, પુણે,કોલ્હાપુર, સાતારા, સાંગલી,સોલાપુર), મરાઠવાડા(છત્રપતિ સંભાજી નગર,જાલના,પરભણી,બીડ, હિંગોળી,નાંદેડ,લાતુર,ધારાશિવ), વિદર્ભ(અકોલા, અમરાવતી, બુલઢાણા,ચંદ્રપુર, ગઢચિરોળી,ગોંદિયા, નાગપુર,વર્ધા,વાશીમ,યવતમાળ)માં ગાજવીજ,તીવ્ર પવન અને કરા સાથે વરસાદી વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે.
વિદર્ભના અમરાવતી અને ચંદ્રપુર જિલ્લામાં કરા સાથે વરસાદી માહોલ સર્જાવાનો પણ સંકેત છે.

હવામાન વિભાગના નવા ડાયરેક્ટર શુભાંગી ભુતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સાથોસાથ, હાલ છતીસગઢથીવિદર્ભ અને મરાઠવાડા થઇને મધ્ય મહારાષ્ટ્રના આકાશમાં પણ ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટયો સર્જાયો છે. ઉપરાંત, મધ્ય મહારાષ્ટ્રથી કર્ણાટક અને તામિલનાડુ થઇને કોમોરીન(કન્યાકુમારી) સુધીના આકાશમાં પણ હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.
સાથોસાથ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર પરથી ભેજનો વિપુલ જથ્થો મહારાષ્ટ્ર પર ઠલવાઇ રહ્યો છે. સાથોસાથ વાતાવરણના ટ્રોપોસ્ફિયરીક ( પૃથ્વીની સપાટીથી ૧૫ કિ.મી.) પટ્ટામાં અરબી સમુદ્ર પરના અને બંગાળના ઉપસાગર પરથી ફૂંકાતા પવનોની જબરી ટક્કર પણ થઇ રહી છે.
આવાં બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ઉનાળાની શરૃઆતમાં જ ગાજવીજ સાથે કરા અને વર્ષાનો માહોલ સર્જાઇ રહ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
