
લોકલ ટ્રેનમાં એક મહિલાની થયેલી મારપીટ પ્રકરણે વસઈ રેલવે પોલીસે 5 દિવસ બાદ ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણ પોલીસે 5 હજાર રૂપિયા લઈને દબાવી દીધાના આરોપ પછી પોલીસે તરત પગલાં ભરતા ગુનો દાખલ કર્યો હતો. રેલવે પોલીસ કમિશનરે આ વિલંબ અને તડજોડ પ્રકરણની તપાસ શરૂ કરી છે. રવિવારે સાંજે બંને મહિલાના જવાબ મુખ્યાલયમાં નોંધવામાં આવ્યા હતા.
ચર્ચગેટ-વિરાર લેડીઝ લોકલમાં 17 જૂનના કવિતા મેંદાડકર (33) નામની મહિલાની જ્યોતિ સિંહે (27) મારપીટ કરી હતી. લોકલમાં ચઢવાના વિવાદ પરથી આ ઘટના બની હતી. એ સમયે જ્યોતિએ કવિતાના માથામાં મોબાઈલ મારતા માથું ફૂટ્યું અને લોહી વહ્યું હતું. છતાં વસઈ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો નહોતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ઘટના પ્રકાશમાં આવી હતી. વસઈ રેલવે પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ ન કરતા 5 હજાર રૂપિયા લઈને પતાવટ કરી હોવાનો આરોપ કવિતા મેંદાડકરે કર્યો હતો.

લોહીથી તરબોળ થવા છતાં ગુનો દાખલ ન કરવો, 5 હજાર રૂપિયા લઈને તડજોડ કરવી જેવા આરોપના લીધે વસઈ રેલવે પોલીસ ગભરાયેલી હતી. આખરે બંને મહિલાને બોલાવીને જવાબ નોંધવામાં આવ્યા હતા. કવિતાની ફરિયાદ નોંધીને મારપીટ કરનાર જ્યોતિ સિંહ વિરુદ્ધ જીવલેણ હુમલો કરવો, સાર્વજનિક શાંતી ભંગ કરવી વગેરે માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) અને 352 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કલમ 118(1) અંતર્ગત 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. કલમ 352 અંતર્ગત 2 વર્ષની જેલ અને દંડ અથવા બંનેની જોગવાઈ છે.
રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે આ પ્રકરણની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે. ગુનો શા માટે દાખલ કર્યો નહોતો તેમ જ તડજોડના આરોપ બાબતે રેલવે પોલીસ પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. રવિવારે સાંજે રેલવે પોલીસ મુખ્યાલયમાં પીડિત અને આરોપી મહિલાને જવાબ નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.

For more details… Contact 9322529232 / 9324483455
