નાળાઓની સફાઈ કરવાના પાલિકા સતત પ્રયાસ કરી રહી છે, છતાં નાળાઓમાં ગેરકાયદે કચરો નાખવાનું ચાલુ જ રહ્યું છે તેથી મુંબઈમાં પાણી ભરાવવાની સમસ્યા વિકટ બની ગઈ છે. પહેલાથી જ સાફ કરવામાં આવેલા ધારાવી ટી-જંક્શન નાળામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક કચરો ફેંકાયો હોવાનું જાણવા મળ્યા બાદ પાલિકાએ શાહુ નગર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ ગેરકાયદે રીતે ડમ્પિંગ માટે જવાબદાર વ્યક્તિ અથવા સંંબંધિત સંસ્થાને શોધી રહી છે.
પાલિકા દર વર્ષે ચોમાસા પહેલા નદી અને નાળાઓને સાફ કરે છે, જેથી ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિર્માણ ન થાય. જોકે આ વર્ષે મીઠી નદી સહિત અનેક નાનાં નાળામાંથી ગાળ કાઢવામાં વિલંબ થયો છે, તેને કારણે વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. આ દરમ્યાન પાલિકાના અધિકારીઓને જણાઈ આવ્યું હતું કે અનેક નાળા ફક્ત ગાળને કારણે જ નહીં પણ ચાલુ કચરાને ફેંકવાને કારણે પણ ચોક-અપ થઈ ગયા હતા અને તેને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકયો નહોતો.

મોટાં અને નાનાં નાળામાંથી ગાળ કાઢવાનું કામ પૂરું થયા બાદ પણ ભરતી દરમ્યાન તરતો કચરો નાળામાં અવરોધ નિર્માણ કરતો હોય છે, તેથી તેમની વારંવાર સફાઈ આવશ્યક હોય છે. પ્રાયોગિક ધોરણે અમુક સ્થળે જાળી બેસાડેલી છે, જેથી તરતો કચરો તેમાં ફસાઈ જાય અને પાણીના નિકાલમાં તે અવરોધ નિર્માણ કરે નહીં. છતાં અનેક લોકો અને સંસ્થાઓ નાળામાં થર્મોકોલ, પ્લાસ્ટિક બૅગ, ફર્નિચર સહિતનો કચરો ફેંકી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
પાલિકાના જી-ઉત્તર વોર્ડના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ઈન્સ્પેકશન દરમ્યાન જાણવા મળ્યું હતું કે અજાણ્યા લોકોએ થર્મોકોલ, રબર, પેપર, પાર્સલ બોક્સ સહિત વિવિધ પ્રકારની ઔદ્યોગિક વસ્તુઓ નાળામાં ફેંકી દીધી હતી. પાલિકાએ ઈન્ડિયન પીનલ કોડ ૨૦૨૩ની કલમ ૩૨૬ (એ) અંતર્ગત આરોપીઓ સામે કેસ નોંધાવ્યો છે. પોલીસ હાલમાં સંબંધિત વ્યક્તિઓને શોધી રહી છે.

