ઈડીએ એચડીઆઈએલ, પંજાબ મહારાષ્ટ્ર કો-ઓપ બેંક ભ્રષ્ટાચાર સંબંધિત પ્રકરણમાં આઠ આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ભ્રષ્ટાચારના રૂપિયામાંથી સિંધુદુર્ગ જિલ્લામાં ખેતીની જમીન ખરીદી કરવા પ્રકરણે સંબંધિત ચાર્જશીટ હોવાથી તાજેતરમાં સ્પેશિયલ કોર્ટે એની નોંધ લઈને પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે એવી માહિતી ઈડી તરફથી આપવામાં આવી છે.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એચડીઆઈએલ ગ્રુપના પ્રમોટર રાકેશકુમાર વાધવાન, સારંગ વાધવાન, પીએમસી બેંકના તત્કાલીન સંચાલક જોય થોમસ અને બીજા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એના આધાર પર ઈડી આ પ્રકરણની તપાસ કરે છે. ભ્રષ્ટાચારના 82 કરોડ 30 લાખ રૂપિયામાંથી 2010થી 2013ના સમયગાળામાં 413 જમીન ખરીદી કરવામાં આવ્યાનો આરોપ છે.

દેવગડ તાલુકાના વિજયદુર્ગ ગામમાં આ માલમતા છે. તપાસમાં 2010થી 2013ના સમયગાળામાં એચડીઆઈએલના પ્રમોટર સારંગ વાધવાન અને રાકેશ વાધવાને ભ્રષ્ટાચારમાંથી મેળવેલા રૂપિયામાંથી 82 કરોડ 30 લાખ રૂપિયા વિજયદુર્ગ ખાતેના 39 ખેડૂતોના ખાતામાં જમા કર્યા હતા. એના માટે બે ઉપકંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પછી સારંગ વાધવાને કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને કમિશન અને અન્ય લાભોના બદલામાં ખેડૂતોની જમીન એચડીઆઈએલ ગ્રુપની કંપનીઓના નામ ટ્રાન્સફર કરી હતી. એના માટે રોકડ રકમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જમીનની સાચી કિંમત ફક્ત 52 કરોડ 90 લાખ રૂપિયા હતી.
એચડીઆઈએલ ગ્રુપ કંપનીના નામથી પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી એવો આરોપ છે. બંદરોના વિકાસ માટે આ જમીન સંપાદિત કરવામાં આવી હતી. પણ એનો વિકાસ થઈ શક્યો નહીં. ઈડીએ આ પ્રકરણમાં અત્યાર સુધી 772 કરોડ રૂપિયાની માલમતા પર ટાંચ મારી છે. આ પ્રકરણમાં ત્રીજી ચાર્જશીટ છે અને વધુ તપાસ ચાલુ હોવાનું ઈડી તરફથી જણાવવામાં આવ્યું છે.

For more details… Contact 9322529232 / 9324483455
