થાણેના પર્યાવરણ માટે ગંભીર ચિંતા ઊભી થઈ છે. થાણેના પ્રસ્તાવિત ઇન્ટર્નલ રિંગ મેટ્રો પ્રોજેક્ટને કારણે ૩૦૦૦થી વધુ ઝાડ જોખમમાં મુકાયાં છે. ૧૦ માર્ચે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ની ટ્રી ઑથોરિટીએ જાહેર નોટિસ બહાર પાડી હતી જેમાં કુલ ૩૨૨૪ ઝાડોને દૂર કરવાની યોજના દર્શાવવામાં આવી છે. આ જાહેરાત સામે સ્થાનિક રહેવાસીઓ તેમ જ પર્યાવરણપ્રેમીઓમાં ભારે * વિરોધ ઊઠ્યો છે. પર્યાવરણપ્રેમીઓનો દાવો છે કે આ નિર્ણયથી થાણેના ગ્રીન કવર પર ગંભીર અસર પડશે અને થાણેના પર્યાવરણીય સંતુલન માટે જોખમ ઊભું થઈ શકે છે. ૨૯ કિલોમીટર લાંબા રિંગ મેટ્રો પ્રોજેક્ટનો મુખ્ય હેતુ થાણેમાં વધતા ટ્રાફિકને ઘટાડવાનો છે અને આ પ્રોજેક્ટ ૨૦૨૯ સુધી પૂર્ણ કરવાની યોજના છે.
આ રૂટમાં ૨૬ કિલોમીટર ઊંચાઈ પર બનાવવામાં આવનારી મેટ્રો લાઈન અને લગભગ ૩ કિલોમીટરનો અન્ડરગ્રાઉન્ડ ભાગ સામેલ છે. કુલ બાવીસ સ્ટેશનની યોજના છે જેમાં વાગળે સર્કલ, હીરાનંદાની એસ્ટેટ અને થાણે જંક્શન જેવાં મહત્ત્વનાં કેન્દ્રોનો સમાવેશ છે. ખાસ વાત એ છે કે મેટ્રોનો રૂટ ૧૩૨ ઈમારતોની નીચેથી પસાર થવાનો છે જેને કારણે આ પ્રોજેક્ટને થાણેના ઘન વસ્તીવાળા વિસ્તારોમાં અમલમાં મૂકવો એક જટિલ કાર્ય માનવામાં આવે છે.

TMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કુલ ૩૨૨૪ વૃક્ષોમાંથી ૨૬૯૩ વૃક્ષોને સ્થળાંતરિત (ટ્રાન્સપ્લાન્ટ) કરવાની યોજના છે, જ્યારે બાકીનાં વૃક્ષો કાપવાં પડશે. અસરગ્રસ્ત ઝાડોમાં જાંબુ, વટવૃક્ષ, પીપળો, આંબો અને ગુલમોહર જેવી સ્થાનિક તેમ જ વિદેશી પ્રજાતિઓનો સમાવેશ છે. ઉપવન તળાવ વિસ્તાર અને વાગળે એસ્ટેટના કમર્શિયલ વિસ્તારમાં ખાસ કરીને મોટી સંખ્યામાં ઝાડો પર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ વિસ્તારો થાણેના પર્યાવરણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
પર્યાવરણના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓએ વૃક્ષોના સ્થળાંતરની સફળતા વિશે શંકા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે અગાઉ પણ થાણેમાં થયેલા અનેક પ્રોજેક્ટ -દરમ્યાન સ્થળાંતરિત કરાયેલાં વૃક્ષોમાંથી બહુ ઓછાં વૃક્ષો જીવિત રહી શક્યાં હતાં. ઘોડબંદર રોડના વિસ્તરણ અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે અગાઉ પણ હજારો વૃક્ષ નષ્ટ થયાં હતાં. હાલમાં TMCએ આ મુદે નાગરિકો પાસેથી સૂચનો અને વાંધાઓ મગાવ્યાં છે અને રહેવાસીઓને લેખિતમાં રજૂઆત કરવાની અપીલ કરી છે જેથી વિકાસ સાથે પર્યાવરણનાં હિતોનું પણ યોગ્ય રીતે મૂલ્યાંકન થઈ શકે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
