મુંબઈમાં શુક્રવારે પણ ભારે વરસાદ પડ્યો, જેના કારણે શહેરના વિવિધ ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) અગાઉ મુંબઈ, નવી મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં કોંકણ કિનારે ચોમાસાની સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાલઘર જિલ્લાને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો હતો. મુંબઈમાં રવિવાર સવાર સુધી ઓરેન્જ એલર્ટ લંબાવ્યું છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ છે.શહેરમાં ગુરુવારે મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો અને શુક્રવારે સવાર સુધી ચાલુ રહ્યો, જેનાથી દક્ષિણ મુંબઈ અને પશ્ચિમી ઉપનગરો બંને પ્રભાવિત થયા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), ચર્ચગેટ, દાદર, દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગાંવ, જોગેશ્વરી અને અંધેરી જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા, જેમાં વ્યાપક પાણી ભરાઈ ગયા હતા.

પાણી ભરાઈ ગયેલા રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હોવાથી મુસાફરોને વિલંબ અને મુશ્કેલ મુસાફરીની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.ગેટવે ઓફ ઈન્ડિયા અને મરીન ડ્રાઇવ ખાતે સમુદ્રનાં મોજાં ઊંચે સુધી ઊછળતાં જોવા મળ્યા હતા. સાંતાક્રુઝના વાકોલા જેવા વિસ્તારોમાં લોકો ઘૂંટણ સુધીના પાણીમાં ચાલતા જોવા મળ્યા હતા.
મહાપાલિકાના ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં શહેર વિભાગમાં બે ઘર ધરાશાયી થયા છે, સાથે ઓછામાં ઓછા 11 વૃક્ષ પડવાની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં પશ્ચિમ ઉપનગરોમાં છ, શહેરમાં ત્રણ અને પૂર્વ ઉપનગરોમાં બે. વધુમાં, ગુરુવારથી શુક્રવાર સવાર દરમિયાન 10 શોર્ટ સર્કિટના કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં પાંચ અને પૂર્વ ઉપનગરોમાં ચારનો સમાવેશ થાય છે. બીએમસી અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, કોઈપણ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.

For more details… Contact 9322529232 / 9324483455
