મુલુંડ-વેસ્ટના નાહૂર ગાવ સ્થિત સાંઈધામ વિસ્તારના સાંઈધામ લોહેલા બિલ્ડિંગમાં ગઈ કાલે વહેલી સવારે સાડાછ વાગ્યે A વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર-બૉક્સમાં અચાનક આગ લાગી હતી. મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોષીએ કહ્યું હતું કે ‘આગ લાગતાંની સાથે જ બિલ્ડિંગમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે સમગ્ર સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઉપર તરફ ફેલાઈ રહી છે એવી આશંકાથી સોસાયટીમાં રહેતા મોટા ભાગના રહેવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ તરફ દોડી ગયા હતા.

આ ગભરાટભરી પરિસ્થિતિમાં A વિંગના સાતમા માળે રહેતા રામલાલ યાદવ પણ ટેરેસ પર પહોંચ્યા હતા. A, B અને C વિંગની કૉમન ટેરેસનો ઉપયોગ કરીને તેઓ B વિંગની ટેરેસ પર ગયા હતા, કારણ કે ત્યાંથી નીચે ઊતરવાનો રસ્તો મળશે એવી તેમને આશા હતી. જોકે B વિંગની ટેરેસમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો બહારથી બંધ હતો. નીચે ઊતરવા માટેનો માર્ગ બંધ હોવાનું જણાતાં જ તેઓ વધુ ગભરાઈ ગયા હતા. આસપાસ ધુમાડો વધી રહ્યો હોવાથી ડરથી તેમણે ત્યાંથી કોઈ પણ રીતે નીચે ઊતરવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પરિસ્થિતિમાં રામલાલ યાદવે અત્યંત જોખમી પગલું લીધું હતું. તેમણે સાતમા માળેથી નીચે ઊતરવા માટે બિલ્ડિંગની બહાર લગાડવામાં આવેલી પાણીની પાઈપનો સહારો લીધો હતો, પરંતુ ઊતરતી વખતે અચાનક તેમનો હાથ છટકી જતાં તેઓ સાતમા માળેથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
