
કુર્લા પશ્ચિમ સ્ટેશન નજીક રાહદારીઓથી ધમધમતા રસ્તામાં બેસ્ટની ઈલેક્ટ્રિક બસ પરથી કાબૂ ગુમાવીને નવ જણનો ભોગ લેનાર અને 49 જણને ઘાયલ છોડી મૂકનાર બસ દુર્ઘટનામાં પોલીસે 1000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.
ચાર્જશીટમાં ડ્રાઈવર સંજય મોરે સાથે ડ્રાઈવરની ભરતી કરનાર વેટ લીઝ કંપનીના સીઈઓ અને બૃહદ મુંબઈ વિદ્યુત પુરવઠો અને પરિવહન (બેસ્ટ)ને ઈલેક્ટ્રિક બસનો પુરવઠો કરનાર કંપનીના ડાયરેક્ટરનાં નામ પણ છે. એવીટ્રાન્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર અને મોરયા ટ્રાન્સ ઈન્ડિયા લિમિટેડના સીઈઓનાં નામ પણ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યાં છે, કારણ કે દુર્ઘટના સર્જનાર ડ્રાઈવરની ભરતી કરવામાં અને તેને તાલીમ આપવામાં બેદરકારી રખાઈ હતી એવું અમારી તપાસમાં બહાર આવ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. મંગળવારે ચાર્જશીટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરાઈ હતી.
9 ડિસેમ્બર, 2024ના રોજ રાત્રે 9.30 વાગ્યે કુર્લાથી અંધેરી જઈ રહેલી બસ કુર્લા પશ્ચિમમાં અંજુમન- એ- ઈસ્લામ સ્કૂલ નજીક આવી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પોલીસ વેન, કાર, ટુવ્હીલર અને હાથગાડીઓ સહિત 22 વાહનોને અડફેટે લીધાં હતાં.

ડ્રાઈવરને દ્રષ્ટવિકાર અને હાઈ બીપી
ઈલેક્ટ્રિક બસની આ દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે તેની અડફેટે આવેલા ચાર જણના ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે પાંચ જણના હોસ્પિટલમાં મોત થયાં હતાં. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે ડ્રાઈવર મોરે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતો હતો અને દ્રષ્ટિવિકાર ધરાવતો હોવાથી ઈલેક્ટ્રિક બસ ચલાવવા માટે તબીબી રીતે ફિટ નહોતો. છતાં તેને બસ સોંપવામાં આવી હતી.
ઉપરાંત તેને બસ ચલાવવા માટે પૂરતી તાલીમ અપાઈ નહોતી અને પુરાવા દર્શાવે છે કે ડ્રાઈવરના ભાગે આ માનવી ભૂલ હતી, કારણ કે તેણે બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પોલીસે ચાર્જશીટમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ, ડ્રાઈવરના લોહીના નમૂના, અન્ય ફોરેન્સિક પરીક્ષણનાં અહેવાલો, 40 સાક્ષીદારોનાં નિવેદન, મૃતકના મૃત્યુ દાખલા પણ જોડ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
