ટ્રાફિક-વિભાગ દ્વારા ગેરકાયદે પાર્કિંગની લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદોને દૂર કરીને ઑડ-ઈવન પાર્કિંગ સિસ્ટમ લાગુ કર્યા પછી મુલુંડ-વેસ્ટના મુરાર રોડના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક દાયકાથી વધુ સમયથી મુરાર રોડની ૧૫થી વધુ સોસાયટીઓ પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહી હતી જેને કારણે ભીડ અને હતાશાનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વિશે અનેક ફરિયાદો અગાઉ પણ કરવામાં આવી હતી. નવી સિસ્ટમથી સ્થાનિક રહેવાસીઓને નોંધપાત્ર રાહત મળી છે. ઘણા લોકોએ આ પગલા માટે ટ્રાફિક-વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. શુક્રવારથી ટ્રાફિક-વિભાગ દ્વારા ગેરકાયદે પાર્કિંગ વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

અમે હવે જગ્યા કે ટ્રાફિક જૅમની ચિંતા કર્યા વિના અમારાં વાહનો પાર્ક કરી શકીએ છીએ એમ જણાવતાં મુરાર રોડ પર રહેતા રસ્તા બચાવ કૃતિ સમિતિના પ્રમુખ શરદરામ સેજપાલે કહ્યું હતું કે ‘મુરાર રોડ માત્ર ૬ મીટર પહોળો હોવાને કારણે પહેલેથી ટ્રાફિક જૅમની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. એમાં બન્ને લેનમાં વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી રસ્તા પરથી પસાર થતાં વાહનો માટે માત્ર બે મીટરનો રસ્તો રહેતો હતો જેને કારણે સતત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અનેક વાર રાતના પણ ટ્રાફિકની સમસ્યા થવાને કારણે અમારી ઊંઘ ખરાબ થતી હતી. આ મામલે અમે ટ્રાફિક-વિભાગને અનેક ફરિયાદો કરી હતી. ઉપરાંત અમારા રસ્તા પર આવેલી તમામ સોસાયટીઓએ ભેગા થઈને દરેક સોસાયટીના લેટરહેડ પર અહીંના રસ્તા પર ઑડ-ઈવન પાર્કિંગ-સિસ્ટમ લાગુ કરવા માગણી કરી હતી. આ માગણી અમે ૧૦ વર્ષથી કરી રહ્યા હતા. જોકે તાજેતરમાં સતત ફૉલોઅપ બાદ ટ્રાફિક-વિભાગે અમારી માગણી સ્વીકારી હતી. તાજેતરમાં લાગુ કરવામાં આવેલી ઑડ-ઈવન પાર્કિંગ-સિસ્ટમથી ટ્રાફિક-પ્રવાહમાં સુધારો થયો છે અને ભીડ ઓછી થઈ છે. ટ્રાફિક-વિભાગની આ પહેલનું રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.’

For more details… Contact 9322529232 / 9324483455
