મુંબઈ મહાપાલિકા અને વૃક્ષ પ્રાધિકરણના સહિયારા પ્રયાસથી ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગમાં 6 થી 8 ફેબ્રુઆરીના ત્રણ દિવસમાં મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
6 ફેબ્રુઆરીના સવારે મુંબઈ પુષ્પોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. એ પછી રાતના 8 વાગ્યા સુધી પુષ્પોત્સવ બધા મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે. બાકીના બે દિવસ એટલે ક 7 અને 8 ફેબ્રુઆરીના સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી મુંબઈ પુષ્પોત્સવ મુંબઈગરા અને પર્યટકો માટે ખુલ્લુ રહેશે. આ વર્ષે 29મો પુષ્પોત્સવ છે.
મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી અને અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પૂર્વ ઉપનગરો) ડો. અવિનાશ ઢાકણેના માર્ગદર્શન હેઠળ તેમ જ ઉપાયુક્ત (ઉદ્યાન) અજિતકુમાર આંબી અને ઉદ્યાન અધિક્ષક જિતેન્દ્ર પરદેશીની દેખરેખ હેઠળ મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

શિશિર ઋતુની શરૂઆત થાય એટલે મુંબઈગરા રાણીબાગના પુષ્પોત્સવની રાહ જુએ છે. ઘડિયાળના કાંટે અને પવનની ઝડપે દોડતા મુંબઈગરા માટે મુંબઈ પુષ્પોત્સવ એટલે સુંગધી તહેવાર હોય છે. વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફૂલઝાડ, ફળોના ઝાડ, ઔષધીય વનસ્પતિ તેમ જ વિવિધ ઋતુઓમાં ખીલતા ફૂલો વગેરે મળીને લગભગ 5 હજાર છોડનો મુંબઈ પુષ્પોત્સવમાં સમાવેશ હોય છે.
પર્યાવરણનો શોખ અને ફૂલો પર પ્રેમ કરનારા પર્યાવરણપ્રેમીઓ માટે પુષ્પોત્સવમાં ઉદ્યાન સંબંધી સામગ્રીનું વેચાણ, ઝાડ માટે જરૂરી ખાતર વગેરેની હાટડી પણ ખુલ્લી મૂકવામાં આવશે. આ ત્રણ દિવસના મુંબઈ પુષ્પોત્સવમાં નાગરિકોને મફત પ્રવેશ આપવામાં આવશે.
ગાર્ડન વર્કશોપ મુંબઈ પુષ્પોત્સવ સાથે જ 6 થી 8 ફેબ્રુઆરી 2026ના ત્રણ દિવસમાં ઉદ્યાન સંબંધી ગાર્ડન વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આ વર્કશોપમાં બાગકામ કેવી રીતે કરવું, ઝાડોની સંભાળ કેવી રીતે રાખવી, રોપા-ઝાડ અને વેલને કયું ખાતર ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું એ બાબતે અભ્યાસપૂર્ણ પ્રશિક્ષણ આપવામાં આવશે.
નોખી આકર્ષક સંકલ્પના મુંબઈ પુષ્પોત્સવમાં ફૂલઝાડોની સુંદર રજૂઆત અને આકર્ષક સજાવટ કરવામાં આવે છે. એ સાથે દર વર્ષે એક ખાસ સંકલ્પના રચીને પુષ્પોત્સવ ઉજવવામાં આવે છે. ગયા વર્ષે ભારતના રાષ્ટ્રીય પ્રતિકોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી.

વિવિધ ફૂલોની મનમોહક રચના દ્વારા રાષ્ટ્રધ્વજ, ભારતરત્ન પુરસ્કારની પ્રતિકૃતિ તેમ જ રાષ્ટ્રીય ફળ આંબાની રચના ગલગોટાના ફૂલોથી તૈયાર કરવામાં આવી હતી. આ સજાવટે મુંબઈગરાના મન મોહી લીધા હતા. આ વર્ષના મુંબઈ પુષ્પોત્સવમાં પણ નોખી અને આકર્ષક સંકલ્પના રજૂ કરવામાં આવશે.
સળંગ ત્રણ દિવસ ચાલનારા આ પુષ્પોત્સવને મુંબઈગરાએ માણવો એવી હાકલ મુંબઈ મહાપાલિકા તરફથી કરવામાં આવી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
