મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસની ટિકિટના દરમાં વધારો થશે. બેસ્ટ બસ ભાડાવધારા બાબતના પ્રસ્તાવને આખરે મુંબઈ મહાપાલિકા પ્રશાસને મંજૂરી આપી છે. બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં થયેલી બેઠકમાં બેસ્ટ ઉપક્રમે બેસ્ટની બસની ટિકિટના દરમાં વધારો કરવાનો આગ્રહ રાખ્યો હતો. એને હવે માન્યતા મળી હોવાથી મુંબઈગરાએ બેસ્ટ બસમાં પ્રવાસ કરવા માટે બમણા રૂપિયા ચુકવવા પડશે. બેસ્ટ ઉપક્રમ છેલ્લા અનેક વર્ષથી ખોટ કરે છે. આ ખોટનો આંકડો 6 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચ્યો છે. બેસ્ટને ખોટમાંથી બહાર કાઢવા થોડા વર્ષ પહેલાં એક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. એમાં બેસ્ટ ઉપક્રમ માટે બસ ભાડેથી લઈને બસની ટિકિટના લઘુતમ દર 5 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે આ નિર્ણયના કારણે બેસ્ટ ઉપક્રમની ખોટ વધતી રહી. છેલ્લા થોડા વર્ષથી બેસ્ટ ઉપક્રમ માટે રોજિંદો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે. કામદારોના લેણાં ચુકવવા પણ બેસ્ટ પાસે ભંડોળ નથી એવી હાલત છે. તેથી બેસ્ટ ઉપક્રમને આ ખાઈમાંથી બહાર કાઢવા બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં સહ્યાદ્રી અતિથિગૃહમાં એક બેઠક પાર પડી હતી. એમાં બેસ્ટ પ્રશાસને ભાડામાં વધારો કરવાનો આગ્રહ રાખ્યો હતો.

દરમિયાન બેસ્ટના મહાવ્યવસ્થાપક એસ. શ્રીનિવાસે પદભાર સંભાળ્યા બાદ તરત બેસ્ટની ટિકિટના દરમાં વધારો કરવાનું સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવ પણ મહાપાલિકા પ્રશાસનને મોકલ્યો હતો. જો કે મહાપાલિકા પ્રશાસને એના પર કોઈ નિર્ણય લીધો નહોતો. જો કે હવે બેસ્ટ પ્રશાસનના ભાડાવધારાના પ્રસ્તાવને મહાપાલિકાએ મંજૂરી આપી છે. અત્યારે બેસ્ટને વાર્ષિક 845 કરોડ રૂપિયા મહેસૂલ મળે છે. ટિકિટના દર બમણા કર્યા પછી વાર્ષિક મહેસૂલ 1 હજાર 400 કરોડ રૂપિયા મળશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રસ્તાવિત ટિકિટ દર
બેસ્ટની બસમાં પ્રવાસ કરવા માટે પાંચ કિલોમીટર સુધી 5 રૂપિયા, 10 કિમી 10 રૂપિયા, 15 કિમી 20 રૂપિયા, 20 કિમીના 20 રૂપિયા લેવામાં આવે છે. એમાં વધારો થયા બાદ અનુક્રમે 10, 15, 20 અને 30 રૂપિયા પ્રમાણે નવા દર રહેશે. એ જ પ્રમાણે એસી બસમાં પ્રવાસ કરવા માટે પાંચ કિલોમીટર સુધી 6 રૂપિયા, 10 કિમીના 13 રૂપિયા, 15 કિમીના 19 રૂપિયા અને 20 કિમીના 25 રૂપિયા લેવામાં આવે છે. ભાડાવધારા બાદ અનુક્રમે 12, 20, 30 અને 35 રૂપિયા ચુકવવા પડશે.

સાત વર્ષે ભાડાવધારો
બેસ્ટ ઉપક્રમે 2018માં ભાડાવધારો કર્યો હતો. એ સમયે બેસ્ટની બસની ટિકિટના લઘુતમ દર 8 રૂપિયા હતા. એસી બસનું ભાડું 20 રૂપિયા હતું. એ પછી 2019માં તત્કાલીન મહાપાલિકા કમિશનર પ્રવિણ પરદેશીએ બેસ્ટના ભાડામાં કપાત કર્યો હતો. બેસ્ટની સાદી બસનું લઘુતમ ભાડું 5 રૂપિયા અને એસી બસનું 6 રૂપિયા કરવામાં આવ્યું. બેસ્ટના ટિકિટના દરમાં કપાત થવાથી બેસ્ટની બસના પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો પણ મહેસૂલમાં મોટો ઘટાડો થયો. તેમ જ બેસ્ટ પાસે 5 રૂપિયાની ચલણી સિક્કા મોટા પ્રમાણમાં ભેગા થયા હતા. 2019થી બેસ્ટનું લઘુતમ ભાડું 5 રૂપિયા જ હોવાથી એમાં વધારો કરવાની માગણી બેસ્ટ પ્રશાસન દ્વારા વારંવાર થતી હતી. જો કે ચૂંટણીના નામ હેઠળ આ ભાડાવધારો થઈ શક્યો નહોતો. બેસ્ટના ભાડાકપાતના કારણે મોટા પ્રમાણમાં ખોટ સહન કરવી પડી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
