છેલ્લા થોડા વર્ષમાં મુંબઈની ઉપનગરીય લોકલમાં મોબાઈલની ચોરીનું પ્રમાણ વધ્યું છે. દરરોજ સરેરાશ 30 મોબાઈલની ચોરી થાય છે. લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના 2024માં 11 હજાર તો ચાલુ વર્ષના પાંચ મહિનામાં સાડા ત્રણ હજાર મોબાઈલ ચોરી થયા છે. મોબાઈલ ચોરીના વધતા ગુના રોકવા રેલવે પોલીસની વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. એના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ચોરી થયેલા મોબાઈલની શોધ કરવામાં આવશે.
ટ્રેનમાં ગિરદીનો ફાયદો ઉઠાવી મોબાઈલ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. મુંબઈના મધ્ય, પશ્ચિમ અને હાર્બર માર્ગ પરની ઉપનગરીય લોકલમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
લોકલમાં વધતી ગિરદીનો ફાયદો ઉઠાવી ચોર મોબાઈલ તફડાવી રહ્યા છે. લોકલમાં 2024માં 11 હજાર 143 મોબાઈલ ચોરવામાં આવ્યા. એટલે કે મહિને લગભગ 950 અને દિવસે સરેરાશ 30 મોબાઈલ ચોરી થયા. આ વર્ષે પણ મહિને 700થી વધુ મોબાઈલ ચોરી થયા છે.

એક તરફ મોબાઈલ ચોરીની ઘટના વધી રહી છે તો બીજી તરફ ગુનાનો ઉકેલ કાઢવાની ગતિ ધીમી છે. મોબાઈલ ચોરીના 2024ના 11 હજાર 143 ગુનામાંથી ફક્ત 5 હજાર 162 પ્રકરણ ઉકેલવામાં સફળતા મળી છે. ચાલુ વર્ષના 3 હજાર 576 મોબાઈલમાંથી ફક્ત 1 હજાર 473 પ્રકરણ ઉકેલાયા છે. મોબાઈલ ચોરીના ગુનાઓનો ઉકેલ થવાનું પ્રમાણ માંડ 50 ટકા છે. મોબાઈલ ચોરીના વધતા ગુના રોકવા રેલવે પોલીસે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે.
આ ઝુંબેશ અંતર્ગત દરેક રેલવે પોલીસ સ્ટેશનના પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં ચોરી થયેલા અને ખોવાયેલા મોબાઈલની ટેકનિકલ તપાસ કરીને પાછા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ઉપરાંત મોબાઈલ ચોરોની ટોળકીની તપાસ કરીને તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે આપી છે.

ગાફેલ પ્રવાસીઓ લોકલમાં ચઢતા સમયે મોબાઈલ ચોરીનું પ્રમાણ સૌથી વધુ હોવાનું પોલીસ જણાવ્યું. લોકલ પકડતા સમયે ગિરદીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. અનેક જણ વાત કરતા સમયે ગાફેલ હોય છે. તેથી ખીસ્સામાંથી ઝડપથી મોબાઈલ સેરવી લેવામાં આવે છે. ટ્રેનમાં દરરોજ વાત કરતા પ્રવાસીઓના મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ વધી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું છે.
