મુંબઈના સમસ્ત જૈન સંઘના આગેવાનો અને બધા જ જૈન સમુદાયોના ગુરૂ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, શ્રાવકો તથા શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં વિહાર દરમિયાન જૈન સાધુ સાધ્વીજીઓને નડતા માર્ગઅકસ્માત નિવારવા રવિવારે સવારે 11 કલાકે ધર્મસભાનું આયોજન વિલે પાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને ચેરિટીઝના આંગણે યોજાયું હતું, જેમાં જૈન સમાજના તમામ ફિરકાના સાધુ ભંગવતો સાથે થતાં વારંવારના અને અકલ્પનીય પદ્ધતિથી થતા અકસ્માતની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ મામલે તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં અકસ્માત પછી અકસ્માત સર્જનાર ડ્રાઈવરને છોડી મૂકવા સામે જોરદાર રોષ વ્યક્ત કરીને કાયદાકીય પગલાં ભરવા એક કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.
વિલે પાર્લે ચિંતામણી પાર્શ્વનાથ મૂતિર્પૂજક જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈએ કહ્યું કે, હાલમાં જ રાજસ્થાનના પાલી જિલ્લામાં પ.પૂ.આ. શ્રી પુંડરીકરત્ન સૂરિજી મહાત્મા તેમ જ બારડોલી પાસે સ્થાનકવાસી સંપ્રદાયના પ.પૂ. અભિનંદન વિજયજી મહારાજ સાહેબના વિહાર દરમિયાન થયેલા અકસ્માતની સભામાં ઉપસ્થિત રહેલા બધાએ નિંદા કરી હતી. આવા બનાવ ભૂતકાળમાં પણ બન્યા છે, પરંતુ ભવિષ્યમાં ન બને તે માટે વિચારણા થઈ. યુવાનોની ટીમ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો કે જે આ બાબત કાનૂની રીતે હાથ ધરશે અને અકસ્માત એ હત્યા તો નહોતી એની તપાસ કરવામાં પૂરક બનશે. ઉપરાંત વિહાર સેવક ગ્રુપના સેવકો પર બોડી કેમેરા લગાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

મુંબઈના સમસ્ત જૈન સંગઠન દ્વારા એક પ્રતિનિધિ મંડળ જૈનાચાર્યો અને સાધ્વીજીઓ ઉપરાંત જૈન સમાજના આગેવાનો મુંબઈ ભાજપના આગેવાન નેતા મંગલ પ્રભાત લોઢા રાજસ્થાનના મુખ્ય મંત્રીને મળી પાલીમાં જૈન આચાર્ય સાથે પ્રાણઘાતક અકસ્માત શંકાસ્પદ હોવાનું જણાય છે, એથી આ મામલે અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ઊંડી તપાસ કરીને ભવિષ્યમાં ફરીથી મહાત્માઓ સાથે અકસ્માત ન થાય તેની તકેદારી રાખાવા એક આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવશે.
જૈન મહાત્માઓના પ્રાણની રક્ષા: ચિંતન બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરાયું હતું કે, જૈન મહાત્માઓના પ્રાણની રક્ષા કરવી એ સમસ્ત સમાજની જવાબદારી છે, આ બેઠકમાં પ.પૂ. આચાર્ય કિર્તીરત્ન સૂરીશ્વરજી મ.સા, પ.પૂ. આચાર્ય હેમચંનદ્ર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય અજીત શેખર સૂરીશ્વરજી મ.સા, પ.પૂ. આચાર્ય મુક્તિ વલ્લભ સૂરીશ્વરજી મ.સા. અને વિવિધ સંઘના પ્રમુખ અને માનદ મંત્રીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા અને આવા બનાવોની બધાએ નિંદા કરી અને એની સામે કડક પગલાં ભરવાની કટિબદ્ધતા બતાવી હતી.

