એક સરકારી વીમા કંપનીના કેશિયરને એક રૂપિયાની વિશિષ્ટ નોટની સામે રૂપિયા સાડા ચાર લાખના ઇનામની લાલચ ભારે પડી ગઇ હતી. ફ્રોડસ્ટરની વાતોમાં આવીને આ કેશિયરે રૂા.૧૦.૩૮ લાખ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સાંતાક્રુઝમાં રહેતા પીડિતે પશ્ચિમ ક્ષેત્ર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ સંપર્ક કર્યો, વિવિધ બહાને પૈસા પડાવ્યા, વધુ છ લાખ માગતાં શંકા ગઈ

આ સંદર્ભે વધુ વિગતાનુસાર સાંતાક્રુઝમાં રહેતા ૪૫ વર્ષના ફરિયાદી એક વીમા કંપનીની ચર્ચગેટ શાખામાં કેશિયર તરીકે કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે ૨૩ ફેબુ્રઆરીએ સોશિયલ મીડિયામાં એક રીલ જોતી વખતે તેમણે એક જાહેરાત જોઇ હતી જેના એક રૂપિયાની વિશિષ્ટ નોટ સામે રૂા.૪.૫૩ લાખ ઇનામ તરીકે આપવામાં આવશે. તેવું જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ એક વોટ્સએપ નંબર પણ અપાયો હતો. ફરિયાદી પાસે તે જાહેરાત મુજબની એક રૂપિયાની નોટ હોવાથી તેમણે તે નોટનો ફોટો વોટ્સએપ પર મોકલતા સામેથી સંજય સિંહ નામની વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો અને તે એક સિક્કાની દુકાનમાં કામ કરતો હોવાનું જણાવી ફરિયાદીને એક ફોર્મ ભરવાનું કહી રૂા.૬૧૬૦/- રજિસ્ટ્રેશન ફી પેટે ભરવાનું કહ્યું હતું.
ફરિયાદીએ આ રકમ ટ્રાન્સ્ફર કર્યા બાદ શર્મા નામના એક અન્ય વ્યક્તિએ એક રૂપિયાની નોટના બદલામાં ઇનામ જીતવા અંગેનો આરબીઆઇનો એક પત્ર ફરિયાદીને મોકલ્યો હતો. જોકે આ બન્નેએ ફરિયાદી સાથે મધમીઠી વાત કરી તેમના પાસેથી વિવિધ ટ્રાન્ઝેકશન હેઠળ રૂા.૧૦.૩૮ લાખ પડાવ્યા હતા.

જોકે જ્યારે આરોપીઓએ તેમને ઇનામની રકમ વધારીને ૨૫.૫૬ લાખ કરવી હોય તો વધારાના છ લાખ ભરવા પડશે તેવું કહેતા ફરિયાદીને શંકા ગઇ હતી. ત્યાર બાદ ફરિયાદીએ સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઇટીએક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
