ઘાટકોપર પશ્ચિમમાં એલબીએસ રોડ પરના નો-પાકિંગ ઝોનમાં ગેરકાયદેસર પાર્કિંગ કરતી લકઝરી બસો અને તેના કારણે સ્થાનિક લોકોને પડતી ટ્રાફિકની સમસ્યા સામે સ્થાનિક નેતાની ફરિયાદ મુંબઈ ટ્રાફિક પોલીસના બહેરા કાને અથડાઈ રહી છે.. આ મામલે 17 જૂને મુંબઈ ટ્રાફિક પોલીસને હપ્તારાજ ટાળવાની ટકોર સાથે ઘાટકોપરના ટ્રાફિકના મામલે એક ટ્વીટ કરાયું છે.
ઘાટકોપર- વેસ્ટમાં એલબીએસ રોડ પર ટુરિસ્ટ બસો પાર્કિંગની વિરુદ્ધમાં આરટીઓ કમિશનર- વરલી, ઘાટકોપર ટ્રાફિક ડિવિઝન, ઘાટકોપર- ઇસ્ટ ટ્રાફિક ડિવિઝન સહિત પોલીસ વિભાગને આ મામલે પત્ર દ્વારા લેખિત ફરિયાદ કરેલી છે. આ ફરિયાદ સાથે સ્થાનિક વિધાનસભ્ય પરાગ શાહનો પણ લેટર જોડ્યો છે. બ્રિજનું કામ ચાલુ હોઈ લક્ઝરી બસોને હાઈવે સુધી સીમિત રાખવામાં આવે છતાં પણ એલબીએસ રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં બંને બાજુ બસની આવનજાવન અને પાર્કિંગ થાય છે, નવાઈની વાત એ છે કે હવે ફરિયાદ પછી બસના પાર્કિંગમાં વધારો થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ટ્રાફિકમાં દરેક સિગ્નલ પર 15 થી 20 મિનિટ સુધી ઊભા રહેવું પડે છે.

આ મામલે મેં અનેક વખત ફરિયાદ કરી છે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. બસ ઓપરેટરોનું કહેવું છે કે અમે નિયમિત હપ્તા આપતા હોઈ તમારી કોઈ ફરિયાદની સુનાવણી થશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
વારંવાર ફરિયાદ કરવા છતાં પણ ઉકેલ નહીં આવતા, મંગળવારે બપોરે ફરી વખત મુંબઈ પોલીસને એક ટ્વીટ કરવામાં આવ્યું છે, આ ટ્વીટમાં તેમણે લખ્યુ઼ છે કે, ઘાટકોપર પશ્ચિમની સામે એલબીએસ રોડ, પાટીદાર વાડીમાં અમારી ફરિયાદો પછી પણ સમસ્યા ચાલુ જ છે.
વિધાનસભ્યને પણ ફરિયાદ આપવામાં આવી છે, પોલીસ તેમને દંડ કરતી નથી, કૃપા કરીને હપ્તા સિસ્ટમ બંધ કરો અને જાહેર ફરિયાદો પર કામ કરો. આ ટ્વીટમાં આ વિસ્તારમાં પાર્ક કરાયેલી કેટલીક ખાનગી લકઝરી બસોના ફોટા જોડ્યા છે.
જોકે પૂંજની ટ્વીટના થોડાક સમયમાં મુ઼ંબઈ ટ્રાફિક પોલીસે જવાબ આપતાં લખ્યું છે કે, અમે ઘાટકોપર ટ્રાફિક વિભાગને જરૂરી કાર્યવાહી માટે જાણ કરી છે.

