મનપાના ટી વોર્ડને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
મુલુંડ (પશ્ચિમ) સ્મશાનભૂમિમાં છેલ્લા અનેક મહિનાઓથી ફેલાયેલી અતિશય અસ્વચ્છતા અને સ્મશાનની સાફસફાઈ બાબતે સંચાલક સંસ્થા મુલુંડ નાગરિક સભાએ દાખવેલી બેદરકારીને કારણે અંતિમ સંસ્કાર માટે આવતા નાગરિકોમાં ગાઢ નારાજગી જોવા મળી રહી છે. આ ચિંતાજનક મુદ્દે મુલુંડના સામાજિક કાર્યકર રાજેશ ચાવડાએ મુંબઈ મહાનગરપાલિકા ‘ટી’ વોર્ડને લેખિત ફરિયાદ નોંધાવીને તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગ કરી છે.

રાજેશ ચાવડાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે સ્મશાનભૂમિના અનેક જગ્યાએ ગંદકી, કચરો, પ્લાસ્ટિક અને દુર્ગંધનું સામ્રાજ્ય અનેક મહિનાથી યથાવત્ છે. સંચાલક સંસ્થા મુલુંડ નાગરિક સભાના પદાધિકારીઓને અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં અંતે તેમને લેખિત ફરિયાદ નોંધાવવી પડી છે.


ફરિયાદમાં સૌથી ચોંકાવનારી બાબત તરીકે દર્શાવવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર બાદ જ્યાં મૃતકોની ભસ્મ અને અસ્થિઓ રાખવામાં આવે છે, ત્યાં દારૂ અને બિયર બોટલો મળી આવી છે, જે મૃતકો તથા તેમના પરિવારજનોની ધાર્મિક લાગણીઓનો સ્પષ્ટ અનાદર છે. ઉપરાંત, જ્યાં નાના બાળકોને દફનાવવામાં આવે છે, તે વિસ્તારમાં પણ ગંદકીના કારણે ઉંદર અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે. સ્મશાનમાં આવતા ડાઘુઓ માટેની બેસવાની જગ્યાઓ પણ અત્યંત ગંદી અને અયોગ્ય હાલતમાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

રાજેશ ચાવડાએ જણાવ્યું છે કે, “સ્મશાનભૂમિ એ આપણા ધર્મ અને શ્રદ્ધાનું પવિત્ર સ્થાન છે. અંતિમસંસ્કારની ભસ્મ પાસે દારૂ-બિયરની બોટલો મળવી એ મૃતક પ્રત્યે તેમના પરિવારજનોની ભાવનાઓનું અપમાન છે. સંચાલક સંસ્થા મુલુંડ નાગરિક સભાની આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”


ફરિયાદમાં તેમણે મહાનગરપાલિકાને તાત્કાલિક વ્યાપક સ્વચ્છતા અભિયાન, સંચાલક સંસ્થા સામે કાર્યવાહી કરવા, તથા સ્મશાનભૂમિમાં કાયમી સ્વરૂપે સાફસફાઈ, દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માગણી કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
