વિરારમાં ચાર માળની એક બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ ૧૭નાં મોત થયાં છે જ્યારે અન્ય નવ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાના ૩૬ કલાક પછી આજે બપોર સુધી કાટમાળ ખસેડી તેની નીચે વધુ લોકો ફસાયા છે કે કેમ તે શોધવાની કાર્યવાહી ચાલુ હતી. કરુણતા તો એ છે કે આ બિલ્ડિંગના એક ફલેટમાં એક વર્ષની એક નાની બાળકી ઉત્કર્ષાના જન્મદિનની ઉજવણી ચાલતી હતી. સમગ્ર ફલેટને ડેકોરેટ કરી કેક કાપી મહેમાનોને ભોજન કરાવી સમગ્ર પરિવાર પાર્ટી માણી રહ્યો હતો બરાબર તે જ અરસામાં આ બિલ્ડિંગ ધસી પડતાં આ બાળકી તથા તેના માતાપિતાનાં પણ મૃત્યુ થયાં હતાં બનાવને નજરે જોનારાના લોકોના જણાવ્યા અનુસાર બર્થ ડે પાર્ટીમાં પરિવારજનો ગીતો ગાતાં હતાં અને નાચી રહ્યાં હતાં ત્યારે જ આ બિલ્ડિંગનો એક ભાગ પત્તાના મહેલની જેમ જોતજોતાંમાં ધસી પડયો હતો.
આ દુર્ઘટનામાં આઠ પુરુષો, છ મહિલાઓ તથા ત્રણ બાળકોનાં મોત થયાં હતાં. સમગ્ર બિલ્ડિંગની આસપાસ એકદમ અડોઅડ અન્ય ચાલ જેવી ઈમારતો હોવાથી તથા સમગ્ર વિસ્તાર ભારે ગીચ હોવાથી બચાવ ટૂકડીઓને બિલ્ડિંગ સુધી પહોંચતાં ભારે તકલીફ પડી હતી. આખરે બિલ્ડિંગ આસપાસની અન્ય ચાલના કેટલાક હિસ્સાને પહેલા ંતોડી પડાયો હતો અને ત્યારબાદ જેસીબી સહિતની મશીનરીને બિલ્ડિંગ પાસે લઈ જઈ કાટમાળ હેઠળથી ફસાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી હતી. ગુરુવારે પણ સાંજ સુધીમાં વધુ બે મૃતદેહ મળ્યા હતા. વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વિરાર-ઈસ્ટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો.આ બિલ્ડિંગમાં કુલ ૫૦ ફલેટ હતા. તેમાંથી એ વિંગના ૧૨ ફલેટ્સ એક તરફ ધસી પડયા હતા. ૨૦૧૧માાં આ બિલ્ડિંગ બની હતી. જોકે, તેને કાયદેસરની મંજૂરીઓ નહિ મળી હોવાનું કહેવલાય છે. સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર આ બિલ્ડિંગ જર્જરિત જ હતી પરંતુ તેમને તે ખાલી કરવાની કોઈ ચેતવણી અપાઈ ન હતી.
વિરાર પોલીસે બિલ્ડર નિત્તલ સાનેની ભારતીય ન્યાય સંહિતા તથા મહારાષ્ટ્ર રિજિયોનલ ટાઉન પ્લાનિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી. આ બિલ્ડિંગના અન્ય ફલેટસ તથા આજુબાજુની બિલ્ડિંગો પણ ખાલી કરાવાઈ હતી તથા રહીશોનું અન્યત્ર સ્થળાંતર કરાયું હતું.

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખનાં વળતરની જાહેરાત કરી હતી. વસઈ વિરાર મહાપાલિકાને આવાં જર્જરીત બિલ્ડિંગોની તપાસનો આદેશ અપાયો હતો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
