મુંબઈ અને કચ્છ વચ્ચે દરરોજ બે ટ્રેન અને એક એસી ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડે છે, પરંતુ તે તમામ બારેમાસ મુસાફરોથી ભરચક હોય છે. એથી પ્રવાસીઓની વધતી જતી માગણીને પહોંચી વળવા મુંબઈથી તેજસ સુપર ફાસ્ટ વીકલી સ્પેશયલ ટ્રેન સપ્તાહમાં એક દિવસ શરૂ કરવામાં આવી છે, જે પછી હવે કચ્છ પ્રવાસી સંઘે તેને સપ્તાહમાં ત્રણ દિવસ દોડાવવાની માગણી કરી છે.
કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે કહ્યું કે, મુંબઈમાં દાદર રેલવે સ્ટેશનથી સયાજીનગરી અને બાંદરા રેલવે સ્ટેશનથી કચ્છ એકસપ્રેસ દરરોજ કચ્છ આવનજાવન કરે છે. આ ઉપરાંત એસી સુપરફાસ્ટ એકસપ્રેસ અઠવાડિયામાં 3 દિવસ હાલમાં ચાલુ છે, પરંતુ હવે અમારી માગણીને માન આપીને પશ્ચિમ રેલવે દ્વારા મુંબઇ- કચ્છ માટે રાજધાની એક્સપ્રેસ કક્ષાની સ્પેશિયલ ટ્રેન તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસ 09017/18ને મંજૂર કરવામાં આવી છે.

મુંબઈ- રાજકોટ દરમિયાન દોડતી આ તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસનો રાજકોટનો એક ફેરો ઘટાડી કચ્છને ફાળવવામાં આવ્યો છે.તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસને કાયમી ધોરણે અઠવાડિયામાં ત્રણ વાર દોડાવવા અંગે આવેદન આપવામાં આવ્યું છે, જે માટે રેલવે અધિકારીઓએ સકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું કે, આ ટ્રેનને સારો પ્રતિસાદ મળશે તો અમે જરૂર મંજૂર કરીશું. આ ટ્રેનને જુલાઈથી વધુ આગળ એક્સટેન્ડ કરવાની ખાતરી પણ આપી છે. અમે આ ટ્રેનને ભુજ સુધી લંબાવવાની માગણી કરી છે. પશ્ચિમ રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઇ સેન્ટ્રલ – ગાંધીધામ વચ્ચે તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસ 1 જુલાઈ સુધી બંને તરફ થઈને 10 ફેરા કરશે.
આ ટ્રેન દર સોમવારે મુંબઈથી અને કચ્છથી દર મંગળવારે દોડશે. મુંબઇ સેન્ટ્રલથી ગાંધીધામ ટ્રેન નં. 09017 દર સોમવારે એટલે કે જૂન મહિનાની 9 ,16 ,23 ,30 અને ગાંધીધામ થી મુંબઇ સેન્ટ્રલ ટ્રેન નં. 09018 દર મંગળવાર એટલે કે તા.3, 10, 17, 24 જુન તથા 1 જુલાઈ દરમિયાન દોડશે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલથી રાત્રે 11.20 વાગ્યે ઊપડી બીજા દિવસે બપોરના 12.55 વાગ્યે ગાંધીધામ પહોંચશે, જ્યારે ગાંધીધામથી સાંજે 6.55 વાગ્યે ઊપડી બીજા દિવસે સવારના 7.30 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનમાં 1,2,3 એસી, સ્લીપર ક્લાસ તથા જનરલ ક્લાસ ઉપલબ્ધ છે. આ ટ્રેન બંને તરફ બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સામખિયાળી, ભચાઉ સ્ટેશને હોલ્ટ કરશે..

