દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરના મિલ્કતમાં હિસ્સો મેળવવા માટે બોલિવૂડ કલાકાર કરિશ્મા કપૂરના બે સંતાને દિલ્હી હાઇકોર્ટમાં પીટિશન કરી છે. ૧૨મી જૂન, ૨૦૨૫મીએ તેમના પિતા સંજય કપૂરનું યુનાઇટેડ કીંગ્ડમમાં અચાનક જ નિધન થયું હતું.
સંતાનોએ સંજય કપૂરના વિલની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. વિલ તૈયાર કરાયું છે તેની જાણ તેમના પિતા અથવા સાવકી માતા પ્રિયા કપૂરે તેમને કરી નહોતી તેવું પીટિશનમાં જણાવવામાં આવ્યું હતું.
પ્રિયા કપૂરની વર્તણૂક સૂચવે છે કે વિલ બનાવટી હોય શકે તેવો આક્ષેપ સંતાનો કરી રહ્યા છે. પીટિશનની સુનાવણી ૧૦મી સપ્ટેમ્બરે થશે. સંજય કપૂરની મિલ્કતનું મૂલ્ય રૃ. ૩૦,૦૦૦ કરોડ જેટલું છે.

પિતા સાથે સારો સંબંધ હતો અને સાથે ફરવા જવાનું, વેકેશન સાથે ગાળવાનું વગેરે નિયમિત થતું હતું તેવી રજૂઆત સંતાનોએ કરી છે. વિલ હોવા અંગે પ્રિયા કપૂરે શરૃઆતમાં ઇન્કાર કર્યો હતો અને તે પછી ૨૧મી માર્ચ, ૨૦૨૫મીનો દસ્તાવેજ તેમણે વિલ તરીકે રજૂ કર્યો હ તો. આથી વિલ બનાવટી હોવાની શંકા ઉદ્ભવે છે તેવું સંતાનોએ કહ્યું છે. વિલ અસ્તિત્વમાં છે તેવું વિલના એક્ઝિક્યુટરે ૩૦મી જુલાઈએ જાહેર કર્યું હતું.
વિલના કાયદાકીય વિવાદમાં સંખ્યાબંધ પક્ષકારો છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂરની પુત્રી અને સગીર પુત્ર દાવો કરનારા (વાદી) છે અને વિધવા પ્રિયા કપૂર અને તેમનો સગીર પુત્ર પ્રથમ અને બીજા પ્રતિવાદી છે. સંજય કપૂરની માતા ત્રીજા પ્રતિવાદી અને વિલના એક્સેક્યુટર (અમલમાં મૂકનારા) એક મહિલા છે જે ચોથા પ્રતિવાદી છે.
આર્થિક સુરક્ષા અને ઉજળા ભવિષ્ય અંગે તેમના દિવંગત પિતાએ તેમને વારંવાર ખાત્રી આપી હતી તેવી રજૂઆત વાદીઓ કરી રહ્યા છે. તેમના નામનાં ધંધા, ઉદ્યોગ ખોલવામાં આવ્યા હતા અને ફેમિલી ટ્રસ્ટના લાભાર્થી તરીકે તેમના નામોનો ઉલ્લેખ કરાયો હતો તેવું સંતાનોએ કહ્યું છે.

સંજય કપૂર અમેરિકાનો પાસપોર્ટ ધરાવતા હતા. પ્રિયા કપૂર સંજય કપૂરના ત્રીજા પત્ની છે. વર્ષ ૨૦૦૩માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૧૬ સુધી લગ્નજીવનમાં હતા અને તે પછી તેમના છૂટાછેડા થયા હતા. ૨૧મી માર્ચ, ૨૦૨૫ની તારીખ ધરાવતા વિલમાં સંજય કપૂરની તમામ અંગત મિલ્કત પ્રિયા કપૂરને મળે તેવું કથિત રીતે લખવામાં આવ્યું છે. કેસમાં જણાવવામાં આવ્યું છે કે ‘વાદીઓના પિતાએ તૈયાર કરેલું કથિત વિલ કાયદેસરનું અને માન્ય દસ્તાવેજ નથી. બનાવટી છે અને રહસ્યમય છે તેવી રજૂઆત વાદીઓએ કરી છે.’
તેમને ક્લાસવનના કાયદાકીય વારસ જાહેર કરવા અને તેમને પિતાની મિલ્કતોમાં એક પંચમાશ હિસ્સો મળવો જોઈએ તેવી વિનંતી સંતાનોએ કોર્ટમાં કરી છે.
વિવાદનો ઉકેલ આવે ત્યાં સુધી સંજય કપૂરની તમામ અંગત સંપત્તિઓ ‘ફ્રીજ’ કરવામાં આવે તેવી માગણી વચગાળાની રાહત તરીકે અરજદારો દ્વારા કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
