ગોરેગામ પૂર્વના સંતોષ નગર પરિસરમાં રવિવારની રાતે બે જૂથ સામસામે આવી જતાં ભારે ઘમસાણ મચ્યું હતું. મારામારી પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો થતાં ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે બાકીનાને નજીવી ઇજા થઈ હતી. આ ઘટના પછી સંબંધિત વિસ્તારમાં ભારે તંગદિલીભર્યું વાતાવરણ હોઈ પોલીસે 10 શકમંદની ધરપકડ કરી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીએ ઘરબહાર કરેલા ગેરકાયદે બાંધકામ પર સોમવારે મુંબઈ મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારની રાતે બનેલી ઘટના બાદ દંગલ મચાવવી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 10 જણની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળની આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. દંગલમાં સામેલ લોકોની ઓળખ મેળવી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કહેવાય છે કે રવિવારે મરિયમ્મા દેવીની શોભાયાત્રા સાંજે પાંચ વાગ્યાની આસપાસ સંતોષ નગર પરિસરમાંથી નીકળી હતી. આ માટે સાઉન્ડ સિસ્ટમ અને પાણીનો સ્ટૉલ પણ ગોઠવવામાં આવ્યો હતો. કોઈ વાતે ત્યાં હાજર યુવાનો સાથે વિવાદ થતાં મામલો બીચક્યો હતો.
અથડામણનું ચોક્કસ કારણ પોલીસ દ્વારા જણાવાયું નહોતું, પણ ડ્રગ્સ વેચનારાના વિરોધમાં રહેવાસીઓ ઉશ્કેરાયા હોવાનું કહેવાતું હતું. મામલો ગંભીર થતાં બે જૂથ સામસામે આવી ગયા અને ભારે ધમાલ મચાવી હતી. એક રિક્ષાની તોડફોડ કરવામાં આવી હતી તો મારપીટ પછી શસ્ત્રોનો પણ ઉપયોગ થયો હતો.
બનાવની જાણ થતાં દિંડોશી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટોળાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દરમિયાન ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો. પોલીસે સતર્કતા ખાતર કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હતી. ઘટનાસ્થળેથી પોલીસને ડ્રગ્સ પણ મળી આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સોમવારે આરોપીના ઘર બહારનું મોટા ભાગનું બાંધકામ ગેરકાયદે હોવાનું પાલિકા દ્વારા જણાવાયું હતું. પરિણામે જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી સમયે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સોમવારે પણ સંતોષ નગરમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
