થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા થાણેમાં અકસ્માત કે તાત્કાલિક આરોગ્ય સારવારની પરિસ્થિતિમાં દરદીઓને ઝડપથી ટ્રીટમેન્ટ મળે એ માટે મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ‘ગોલ્ડન અવર’ દરમ્યાન સારવાર ઉપલબ્ધ રહે એ માટે થાણેનાં ૩૩ આરોગ્યકેન્દ્રોમાં ૨૪ કલાક ઍમ્બ્યુલન્સ-સેવા ઉપલબ્ધ કરાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ યોજના અમલમાં આવ્યા બાદ ઇમર્જન્સીની સ્થિતિમાં દરદીઓને અંદાજે દસથી ૨૦ મિનિટમાં ઍમ્બ્યુલન્સ-સેવા મળી શકશે એવી આશા આરોગ્ય-વિભાગે વ્યક્ત કરી છે. વધતી જતી વસ્તી અને આરોગ્યસેવાઓની વધતી માગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
TMCના આરોગ્ય વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અત્યારે TMCના કાફલામાં માત્ર ૬ સામાન્ય ઍમ્બ્યુલન્સ અને પાંચ કાર્ડિએક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. આ તમામ વાહનો લગભગ બારથી ૧૫ વર્ષ જેટલાં જૂનાં હોવાથી એ વારંવાર બગડવાની અને રસ્તામાં બંધ પડી જવાની સમસ્યા ઊભી થાય છે. કેટલાંક વાહનો ૧૫ વર્ષથી વધુ જૂનાં થઈ જતાં ટ્રાફિક વિભાગ દ્વારા થાણેની બહાર લઈ જવાની મંજૂરી મળતી નથી. થાણેમાં ૩૩ આરોગ્યકેન્દ્રો, ૬ પ્રસૂતિગૃહો અને કળવાસ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દરદીઓ આવે છે.

ઘણી વાર પ્રસૂતિગૃહોમાંથી મહિલાઓને વધુ સારવાર માટે કળવાની અથવા મુંબઈની સરકારી હોસ્પિટલોમાં ખસેડવાની જરૂર પડે છે. આ વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને TMCએ કોરોનાકાળમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ મુજબ ફરી એક વાર ભાડે ઍમ્બ્યુલન્સ-સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આગામી પાંચ વર્ષ માટે લગભગ ૩.૬૦ કરોડ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ૧૮ માર્ચે યોજાનારી TMCની સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
TMCના કમિશનર સૌરભ રાવના માર્ગદર્શન હેઠળ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. પ્રસાદ પાટીલ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને અગાઉ પ્રશાસકીય બેઠકમાં મંજૂરી મળી ચૂકી છે. આ યોજનામાં ૨૪ કલાક હેલ્પલાઇન, એમ્બ્યુલન્સનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને સમગ્ર થાણેમાં સમાન દર જેવી સુવિધાઓ આપવામાં આવશે. તાત્કાલિક અથવા ગંભીર દરદીઓ માટે ઍમ્બ્યુલન્સ તરત ઉપલબ્ધ રહે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ સેવા માટે TMCને દર મહિને અંદાજે ૫.૮૦ લાખ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે, જ્યારે વાર્ષિક ખર્ચ લગભગ ૬૯.૬૦ લાખ રૂપિયા થશે. આ નવી વ્યવસ્થાથી અકસ્માત અથવા ઇમર્જન્સી સમયે દરદીઓને ઝડપથી હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ મળશે અને ગોલ્ડન અવર દરમ્યાન સારવાર મળવાની શક્યતા વધુ મજબૂત બનશે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
