શું તમે પણ ફ્રી પડો એટલે કે પછી ખાસ સમય કાઢીને કલાકો સુધી રીલ્સ અને શોર્ટ વીડિયો જોયા કરો છો ? જો તમારો જવાબ હા હોય તો તુરંત ચેક કરો કે તમને આ 4 સમસ્યા કે ચારમાંથી કોઈ 1 સમસ્યા તો નથી ને ? જો એક પણ તકલીફ હોય તો તેને રેડ એલર્ટ સમજી તમારો સ્ક્રીન ટાઈમ તુરંત ઘટાડો.
મોબાઈલ આજના સમયમાં ઉપયોગી વસ્તુને બદલે જીવન જરૂરી વસ્તુ બનતો જાય છે. મોબાઈલ વિના ચાલી શકે છે પરંતુ લોકોને મોબાઇલની અને ખાસ કરીને રિલ્સ અને શોર્ટ વિડીયો જોવાની લત એવી લાગી ગઈ છે કે લોકો મોબાઇલ વિના રહી શકતા નથી. મોબાઈલ એવું ઉપકરણ બની ગયો છે જેના વિના લોકો 30 મિનિટ પણ રહી ન શકે. ઘણા લોકો તો એવા હોય છે જે તમારી સાથે બેઠા હોય તો પણ થોડી મિનિટમાં જ પોતાનો મોબાઈલ ફોન કરીને ચેક કરી લેતા હોય છે. આ વર્તન સામાન્ય લાગે છે પરંતુ મેન્ટલ હેલ્થની દ્રષ્ટિએ આ એક અલાર્મિંગ સિગ્નલ છે. આવા વર્તનનો મતલબ એવો થાય છે કે તમે મોબાઈલ નથી ચલાવતા પરંતુ તમારો મોબાઈલ તમને ચલાવી રહ્યો છે.

મોબાઈલ વ્યસન બની ગયો છે. તેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર જોવા મળતા શોર્ટ વિડીયો અને અલગ અલગ પ્રકારની રિલ્સ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 30 સેકન્ડના જે શોર્ટ વિડીયો અને રીલ્સ જોવા મળે છે તેમાં જ સૌથી વધુ લોકો સમય પસાર કરતા હોય છે. સવારે જાગે ત્યારથી લઈને રાત્રે ઊંઘ ન આવે ત્યાં સુધીના સમયમાં 70% સમય લોકો મોબાઇલમાં પસાર કરતા હોય છે. પરિવારના સભ્યો એક જગ્યાએ સાથે બેઠા હોય તો પણ બધાનું ધ્યાન પોતાના હાથમાં રહેલા મોબાઇલમાં જ હોય છે. અને મોટાભાગે લોકો શોર્ટ વિડિયો અને રિલ્સ જોતા હોય છે. એક પછી એક રિલ્સ સ્ક્રીન પર આવતી રહે છે અને લોકોનો કલાકનો સમય પસાર થતો રહે છે. આ આદતને માઈન્ડલેસ સ્ક્રોલિંગ કહેવામાં આવે છે. લોકોને માઈન્ડલેસ સ્ક્રોલિંગ શા માટે ગમે છે ચાલો તે પણ જાણીએ.
માઈન્ડલેસ સ્ક્રોલિંગ એટલે શું ?
જ્યારે પણ ફ્રી સમય મળે કે પછી રાત્રે સુતા પહેલા મોબાઈલ ઓન કરીને એક પછી એક શોર્ટ વિડીયો અને રીલ્સ સ્ક્રોલ કરવાની આદતને માઈન્ડલેસ સ્ક્રોલિંગ કહેવાય છે. ઘણા લોકોને તો રીલ્સ જોવાની એવી આદત પડી જાય છે કે તે જરૂરી કામ સાઈડ પર મૂકીને એકવાર રીલ્સ જોવાનું શરૂ કરે એટલે કલાકો સુધી વ્યસ્ત રહે છે. આ રીતે સ્ક્રીન પર કલાકોનો સમય પસાર કરવો માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે લોકો સતત માઈન્ડલેસ સ્ક્રોલિંગ કરે છે તેમના વર્તનમાં અને સ્વભાવમાં 4 ગંભીર ફેરફાર જોવા મળે છે. જો કોઈપણ વ્યક્તિના સ્વભાવમાં આ 4 ફેરફાર જોવા મળે તો તેણે તુરંત જ પોતાના સ્ક્રીન ટાઈમને ઘટાડીને મેન્ટલ હેલ્થ પર ફોકસ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
માઈન્ડલેસ સ્ક્રોલિંગથી થતી નેગેટિવ અસરો

કામ પર ફોકસ ન કરી શકો
જ્યારે વ્યક્તિ એક પછી એક રીલ્સ જોવે છે તો તેનું મગજ એક્સાઇટેડ થાય છે અને ડોપામાઇન હોર્મોન રિલીઝ કરે છે. જેના કારણે વ્યક્તિને રિલ્સ જોતી વખતે સતત ખુશીનો અનુભવ થાય છે. કલાકો સુધી આવો અનુભવ કર્યા પછી જ્યારે મોબાઈલ મૂકી દેવામાં આવે છે તો વ્યક્તિ પોતાના કામ પર ફોકસ કરી શકતી નથી અને તેના મનમાં પણ સતત રિલ્સ જોવાની ઈચ્છા થયા કરે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કામ પર ફોકસ કરી શકતી નથી. જેને એક વખત માઈન્ડલેસ સ્ક્રોલિંગની આદત પડી જાય તેને બીજા કોઈ કામમાં તેમની રુચી રહેતી નથી.
માનસિક થાકનો અનુભવ
માઈન્ડલેસ સ્ક્રોલિંગ કરવાની સૌથી મોટી નેગેટિવ ઇમ્પેક્ટ છે કે વ્યક્તિ મેન્ટલી સતત થાકેલી રહે છે. આખો દિવસ એક જગ્યાએ બેસીને કામ કર્યું હોય તેમ છતાં વ્યક્તિને માનસિક થાક લાગે છે તેનું કારણ હોય છે કે તેણે કલાકો સુધી મોબાઈલ ચેક કર્યો હોય છે અને તેમાં સમય પસાર કર્યો હોય છે.. આવા લોકો ફિઝિકલ ફિટનેસ પર પણ ધ્યાન આપતા નથી. જેના કારણે ધીરે ધીરે ડિપ્રેશન, બેચેની જેવી તકલીફો પણ થવા લાગે છે. જે લોકો માઈન્ડલેસ સ્ક્રોલિંગ કરતા હોય તેમના સ્વભાવમાં ચીડીયાપણું પણ આવી જાય છે.
ઓછી ઊંઘ
મોટાભાગે માઈન્ડલેસ સ્ક્રોલિંગ રાત્રે થતું હોય છે. લોકો સુતા પહેલા મોબાઇલ લઈને કલાકો સુધી તેમાં સમય પસાર કરે છે. વ્યક્તિ એવું વિચારે છે કે ઊંઘ ન આવે ત્યાં સુધી રીલ્સ જોઈ લઈએ. પરંતુ હકીકતમાં જ્યાં સુધી આંખ સામે રિલ્સ ફરતી રહે છે ત્યાં સુધી ઊંઘ આવતી નથી. જ્યારે મગજ સાવ થાકી જાય છે ત્યારે ઊંઘ આવે છે.. આ સ્થિતિમાં થાય છે એવું કે લોકો ઊંઘ કરવાનો સમય વિડીયો જોવામાં પસાર કરી દે છે. જેના કારણે ઊંઘ પૂરી થતી નથી. નિયમિત રીતે ઊંઘ પૂરી ન થાય તો તેની અસર યાદશક્તિ પર પણ પડે છે અને મૂડ પર પણ પડે છે.

વર્તનમાં ફેરફાર
જે લોકો માઈન્ડલેસ સ્ક્રોલિંગ કરતા હોય તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થવા લાગે છે. ખાસ કરીને બાળકોના માનસિક વિકાસ પર નેગેટિવ અસર પડે છે. જે બાળક મોબાઈલ પર અલગ અલગ પ્રકારના વિડીયો જોવે છે તેમના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. ઘણી વખત બાળક પાસેથી ફોન લઈ લેવામાં આવે તો તે હિંસક વર્તન કરે છે. આવા વર્તનનો અર્થ છે કે બાળક પર માઈન્ડલેસ સ્ક્રોલિંગની નેગેટિવ અસર થવા લાગી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
