સાત્વિક આહાર લેવાની વાત એમ જ તો કોઈના ગળે ન ઉતરે એટલા માટે સાત્વિક આહારથી થતા લાભ વિશે જાણવું જરૂરી છે. ફિટ રહેવામાં આહાર સૌથી મહત્વની ભુમિકા ભજવે છે. જો તમે આહાર બદલશો તો શરીર અને મન બંનેમાં પોઝિટિવ ફેરફારનો અનુભવ થશે.
વાત ફિટનેસની હોય તો આ કામમાં આપણો આહાર મહત્વની ભુમિકા ભજવે છે. જે રીતે વાહન ઈંધણથી ચાલે છે તેમ આપણું શરીર આહારથી ચાલે છે. જો તમે શરીરને સારો આહાર અને પોષણ આપો તો શરીર પણ ફિટ રહે છે. શરીરમાં જો સાત્વિક અને પોષ્ટિક આહાર જાય તો શરીર અંદરથી સ્વસ્થ રહે છે. જો કે આજના સમયમાં મોટાભાગના લોકો સાત્વિક આહારનું નામ આવતાં જ મોં બગાડતા હોય છે. કારણ કે તેમને ચટપટું અને મસાલેદાર ભોજન જ બરાબર લાગે છે. પણ આવો ખોરાક સ્થૂળતા, હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ, બીપી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

માણસનો સ્વભાવ હોય છે કે જ્યાં સુધી તેને કોઈ વસ્તુમાં પોતાનો ફાયદો ન જોવા મળે ત્યાં સુધી તે વસ્તુ અપનાવવા વિશે વિચાર પણ ન કરે. સાત્વિક ભોજન એટલે શું અને તેનાથી શરીરને થતા લાભ વિશે જાણો નહીં તો તમને સાત્વિક ભોજન લેવાની ઈચ્છા પણ ન થાય. એટલે તમને આજે જણાવીએ આયુર્વેદ અનુસાર સાત્વિક ભોજન એટલે શું અને તેને લેવાથી શરીરને કેવા લાભ થઈ શકે છે.
સાત્વિક આહાર એટલે શું ?
સૌથી પહેલી વાત એ છે કે સાત્વિક આહાર એટલે ફિક્કું અને સ્વાદ વિનાનું ભોજન નહીં. સાત્વિક આહાર પણ સ્વાદિષ્ટ જ હોય છે. બસ તેમાં તેલ, મસાલા, લસણ, ડુંગળીનો ઉપયોગ ઓછો થાય છે. આયુર્વેદમાં ભોજનના 3 પ્રકાર જણાવેલા છે. પહેલું અને ઉત્તમ ભોજન સાત્વિક ભોજન હોય છે, બીજું રાજસિક ભોજન અને ત્રીજું તામસિક ભોજન. આજના સમયમાં મોટાભાગના લોકો તામસિક ભોજન રોજ કરે છે જેના કારણે શરીર બીમારીનું ઘર બની જાય છે. સાત્વિક ભોજન સૌથી ઉત્તમ એટલા માટે છે કે તેમાં તાજા ફળ, લીલા શાકભાજી, આખા અનાજ, દાળ, દહીં, ઘી, મેવાનો સમાવેશ થાય છે. આ ભોજન પેટને તૃપ્ત કરે છે અને મનને શાંત અને સ્થિર રાખે છે.
સાત્વિક આહારથી શરીરને થતા ફાયદા
સાત્વિક ભોજન કરો તો સૌથી મોટો ફાયદો એ થાય કે તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરતું થાય. સાત્વિક ભોજનમાં પોષકતત્વો ભરપુર માત્રામાં હોય છે. તેનાથી ઈમ્યૂનિટી બુસ્ટ થાય છે, પાચનની તકલીફો થતી નથી. શરીર અંદરથી ક્લીન રહે છે અને સૌથી મહત્વનું બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

સાત્વિક આહારથી મનને થતા ફાયદા
સાત્વિક આહાર શરીરને ફાયદા કરે છે તેની સાથે મનને પણ શાંત રાખે છે. તામસિક ભોજન વ્યક્તિને ઉગ્ર બનાવે છે. જ્યારે સાત્વિક ભોજન કરનારનું મન શાંત રહે છે, કામમાં સ્થિર રહે છે, સ્ટ્રેસ ઓછો થાય છે. સાત્વિક ભોજન લેવાથી એકાગ્રતા વધે છે. સાત્વિક ભોજન લેવાનું શરુ કરો એટલે આ ફાયદા આપોઆપ દેખાવા લાગશે.
સાત્વિક ભોજનથી મળશે પોષણ
શરીરને ફીટ રાખવા માટે વિવિધ પોષકતત્વોની જરૂર પડે છે. આ પોષકતત્વો આહારના માધ્યમથી જ શરીરને મળી શકે છે. જો તમે સાત્વિક આહાર તરફ વળો છો તો તેમાં દાળ, ફળ, શાકભાજી બધું જ આવી જાય છે. જેના માધ્યમથી શરીરને જરૂરી મિનરલ્સ, પ્રોટીન, વિટામિન, ફાઈબર મળી જાય છે. સાત્વિક આહાર શરીરને એનર્જી અને પોષતતત્વો બંને આપે છે. ટુંકમાં સાત્વિક ભોજન લેવાથી શરીરને જરૂરીયાતો પુરી થઈ જાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
