માસિક સમયે મોટાભાગની યુવતીઓને અસહ્ય દુખાવો રહેતો હોય છે. માસિક દરમિયાન મૂડ સ્વિંગ પણ થાય છે. આ બંને સ્થિતિમાં રાહત ડાર્ક ચોકલેટથી મળી શકે છે.
મહિલાઓના જીવનમાં નિયમિત માસિક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. લગભગ 12 વર્ષની ઉંમરથી માસિકની શરૂઆત થાય છે અને લગભગ 40 થી 45 વર્ષની ઉંમર સુધી દર મહિને માસિકમાંથી મહિલાને પસાર થવું પડે છે. 4 થી 7 દિવસના માસિક ચક્ર દરમિયાન મહિલાઓને અસામાન્ય સ્થિતિમાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયાન દુખાવો, થાક, નબળાઈ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ સમસ્યાઓને સામાન્ય ગણવામાં આવે છે પરંતુ મહિલાઓ માટે તેને સહન કરવી મુશ્કેલ હોય છે.

માસિક દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે મહિલાઓ અલગ અલગ ઉપાયો અપનાવે છે. ઘણાને તો દુખાવો એટલો વધારે હોય કે દવા લેવી પડે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત એક ડાર્ક ચોકલેટ ખાઈને પણ તમે આ તકલીફોથી રાહત મેળવી શકો છો? એક રિપોર્ટ અનુસાર માસિક દરમ્યાન ડાર્ક ચોકલેટ ખાવાથી મહિલાઓને ઘણા બધા ફાયદા થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ડાર્ક ચોકલેટ સહિત કેટલાક એવા ફૂડ છે જેને ખાવાથી દુખાવો, સોજો અને સ્નાયુ પર આવતું દબાણ ઓછું કરી શકાય છે જેના કારણે માસિકના દુખાવામાં પણ રાહત મળે છે. પિરિયડ દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ પણ સુધરે છે અને શારીરિક દુખાવાથી પણ રાહત મળી શકે છે. ડાર્ક ચોકલેટમાં એવા પોષક તત્વો હોય છે જે હોર્મોનલ બેલેન્સ અને બ્લડ ફ્લોને સુધારે છે.
ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, આયરન, ફ્લેવેનોઈડ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ડાર્ક ચોકલેટ શરીર અને મગજ પર પોઝિટિવ અસર કરે છે. જ્યારે શરીર હોર્મોનલ ફેરફારમાંથી પસાર થાય છે તેમાં સમયે ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડમાં પણ ફાયદો થાય છે. તેથી જ દરેક યુવતીએ માસિક દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ ખાવાથી પિરિયડ ક્રેમ, બેચેની, મૂડ સ્વિંગ જેવી સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. તેનાથી મૂડ સારો રહે છે અને મગજ ઉપર પણ સકારાત્મક પ્રભાવ પડે છે.

