બોરીવલીમાં ચીકુવાડી જંક્શન પાસે બેદરકારીથી વળાંક લેતી વખતે ટેમ્પોએ સ્કૂટરને અડફેટે લેતાં ગુજરાતી સિનિયર સિટીઝને જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની હતી. પોલીસે આરોપી ટેમ્પો ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
બોરીવલી પોલીસના જણાવ્યા મુજબ રવિવારની રાતે 9.15 વાગ્યાની આસપાસ બોરીવલી પશ્ર્ચિમમાં ચિકુવાડી જંક્શન પાસે થયેલા અકસ્માતમાં નીતિન બાબુલાલ શાહ (72)નું મૃત્યુ થયું હતું.
બોરીવલીના મહાવીર નગર ખાતે લિંક રોડ પરની અંશુલ હાઈટ્સ ઈમારતમાં રહેતા શાહ સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત પ્રકરણે ટેમ્પો ડ્રાઈવર કૃપાશંકર યાદવ (35) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માત પ્રકરણે નીતિનભાઈના પુત્ર પરાગ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કારડીલર પરાગભાઈએ જણાવ્યું હતું કે બોરીવલી પૂર્વમાં કુલુપવાડી ખાતે તેમની ફોઈ નિરુપમા ફડિયા રહે છે. ફોઈએ આંખનું ઑપરેશન કરાવ્યું હોવાથી અમારો પરિવાર તેમને મળવા ગયો હતો.

રાતે નવ વાગ્યે નીતિનભાઈ સ્કૂટર પર ઘરે જવા નીકળ્યા હતા, જ્યારે પરિવારના સભ્યો પછીથી નીકળવાના હતા. જોકે પંદરેક મિનિટમાં જ એક મિત્રએ પરાગને ફોન કર્યો હતો અને અકસ્માત અંગે જાણ કરી હતી. પરાગ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પિતા નીતિનભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન પડ્યા હતા. પોલીસ સાથે તેમને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
કહેવાય છે કે આર. એમ. ભટ્ટડ રોડ પરથી લિંક રોડ તરફ જવા માટે ટેમ્પોના ડ્રાઈવરે બેદરકારીથી વળાંક લીધો હતો, જેને કારણે ટેમ્પો સ્કૂટર સાથે ભટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટરસવાર નીતિનભાઈ રસ્તા પર ફંગોળાયા હતા અને પછી તેમના માથા પરથી ટેમ્પોનું ટાયર ફરી વળ્યું હતું. ઘટના બાદ ટેમ્પો ડ્રાઈવરે ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રાહદારીઓએ તેને પકડી પાડ્યો હતો.
પરાગભાઈએ કહ્યું હતું કે ટેમ્પો ડ્રાઈવર દારૂના નશામાં જણાતો હતો. અકસ્માતમાં માતા પિતાએ જીવ ગુમાવ્યો… આટલી ગંભીર ઘટના હોવા છતાં ટેમ્પો ડ્રાઈવર જામીન પર છૂટી ગયો હતો અને ટેમ્પો પણ તેને સોંપી દેવાયો હતો, જ્યારે અમારું સ્કૂટર તપાસ માટે હજુ પોલીસ પાસે છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ આરોપી ટેમ્પો ડ્રાઈવરના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તેની ખાતરી અહેવાલ પરથી થશે અને પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
