મુંબઈના ઉપનગરીય ભાગમાં નાગરિકો અને પર્યટકો માટે નવો વિકલ્પ ઉપલબ્ધ કરી આપવા મુંબઈ મહાપાલિકા તરફથી મુલુંડ (પશ્ચિમ) પરિસરમાં નાહૂર ખાતે અત્યાધુનિક વિદેશી પક્ષી ઉદ્યાન (એક્ઝોટિક બર્ડ પાર્ક) ઊભું કરવામાં આવશે.
આ ઉદ્યાનનું ભૂમિપૂજન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાપાલિકા સંચાલિત શ્રીમતી મનસાદેવી તુલસીરામ અગરવાલ જનરલ હોસ્પિટલની મુલુંડ (પશ્ચિમ)માં બાંધવામાં આવેલી નવી ઈમારતનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી, અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પૂર્વ ઉપનગરો) ડો. અવિનાશ ઢાકણેના માર્ગદર્શન હેઠળ આ બર્ડ પાર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. આ પ્રકલ્પમાં વિદેશી પક્ષીઓ માટે સુવિધાયુક્ત પક્ષીગૃહ સાથે ટિકિટબારી, સાર્વજનિક સ્વચ્છતાગૃહ, મોમેન્ટો દુકાન, કેફે અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ જેવી અદ્યતન સુવિધા વિકસિત કરવામાં આવશે.
આ બર્ડ પાર્કના લીધે નાગરિકોમાં પશુપક્ષીઓ અને પર્યાવરણ સંબંધિત જનજાગૃતિ વધવામાં મદદ થશે અને મહાપાલિકાના મહેસૂલમાં પણ ઉમેરો થશે એમ ઉપાયુક્ત (ઉદ્યાન) અજિતકુમાર આંબીએ જણાવ્યું હતું.

આ પક્ષી ઉદ્યાનની રચના ભાયખલાના રાણીબાગ પ્રમાણે કરવામાં આવશે. ઉદ્યાનમાં 24 સ્વતંત્ર અધિવાસ (હેબિટેટ) પ્રસ્તાવિત છે. વિશ્વના દુર્લભ અને રંગબેરંગી પક્ષીઓ અહીં જોવા મળશે. ઓસ્ટ્રેલિયન, આફ્રિકન, અમેરિકા જેવા વૈશ્વિક વિભાગની સંકલ્પના અમલમાં મૂકવામાં આવશે.
પક્ષીઓ માટે વિવિધ સુવિધાઓ પક્ષીઓ માટે સ્વતંત્ર હોસ્પિટલ, ક્વોરન્ટાઈન એરિયા, બર્ડ કિચન અને ઈંટરનલ સર્વિસ રોડ સહિત વેટરનરી અને દેખભાળ પાયાભૂત સુવિધા પણ પ્રસ્તાવિત છે. આ બર્ડ પાર્કનો જૈવવિવિધતા અને પક્ષી સંવર્ધન બાબતે જનજાગૃતિ કરતા શાશ્વત પર્યાવરણ શૈક્ષણિક કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે.
એ સાથે જ ફિલ્મ અને ફોટોગ્રાફી, જાહેરાત, કોર્પોરેટ સ્પોનસરશીપ, પક્ષી અને બાગ દત્તક યોજના, મોમેન્ટો દુકાન, રેસ્ટોરંટ ભાડે આપવી જેવા વિવિધ માધ્યમથી મહેસૂલ મેળવવાની યોજના અમલમાં મૂકવામાં આવશે એમ સંચાલક (પ્રાણીસંગ્રહાલય) ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
