રાજસ્થાન પાલી ખાતે વિદ્વાન જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મ.સા.ના એક્સિડેન્ટલ કથિત હત્યાના વિરોધમાં સમગ્ર દેશભરમાં જૈનોમાં ઉગ્ર આક્રોશ અને ઠેર ઠેર વિરોધ સભાઓ યોજાઈ રહી છે. તે અંતર્ગત મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને રાજ ભવન ખાતે મંત્રી મંગલપ્રભાત લોઢા સાથે જૈનોનું પ્રતિનિધિ મંડળ ગવર્નર હાઉસ ખાતે મળ્યું હતું.
પ્રતિનિધિ મંડળમાં મંગલપ્રભાત લોઢા, શ્રી મુંબઈ જૈન સંગઠન વતી નીતિનભાઈ વોરા, અતુલકુમાર વ્રજલાલ શાહ, સુધીરભાઈ પટ્ટણી હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું.
રાજ્યપાલને લોઢાએ અવગત કર્યું હતું કે છેલ્લાં દસેક વર્ષમાં અનેક સાધુ ભગવંતોની આ પ્રમાણે એક્સિડેન્ટ દ્વારા કથિત હત્યાઓ કરવામાં આવી રહી છે, જેમાં રાજસ્થાનના અસામાજિક તત્ત્વોની અનુપ મંડળ ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.લોઢાએ કહ્યું હતું કે રાજસ્થાન સરકારે એક એસઆઈટી કમિટીની રચના કરી છે પરંતુ આવા વિદ્વાન સાધુ ભગવંતોની હત્યા પાછળ કોનો હાથ છે તેની પૂર્ણ તપાસ કરવી જોઈએ.

જૈન સંઘના પ્રતિનિધિઓએ રાજ્યપાલને જણાવ્યું હતું કે આચાર્ય શ્રી હાલતી-ચાલતી લાઈબ્રેરી જેવા હતા અને તેઓ 18 ભાષાના જાણકાર હતા. તેમના વિદ્વાન ગુરુભગવંત જબુંવિજયજી મહારાજ સાહેબની પણ આ જ પ્રકારે એક્સિડેન્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી.એક સાધુ પૂર્ણપણે તૈયાર થતાં 25થી 50 વર્ષ લાગી જતાં હોય છે એ જ સાધુને માત્ર 25થી 50 સેકન્ડમાં એક્સિડેન્ટ દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવતી હોય છે.
આજે પણ અનુપદાસ કથિત સાધુની જગત હિતકારિણી પુસ્તક પ્રતિબંધિત હોવા છતાં તેના દ્વારા એવો અપપ્રચાર કરવામાં આવે છે કે જૈનો અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ લાવે છે અને સમગ્ર સૃષ્ટિની હત્યાનું ષડયંત્ર જૈનો રચી રહ્યા છે. રાજસ્થાન – ગુજરાતમાં તેઓની અનેક ગેરકાયદેસર શાખાઓ દ્વારા હજારો લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

રાજ્યપાલે આ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પોતે સાથે રાજસ્થાન આવશે અને ત્યાંના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલને મળીને આ વાતની રજૂઆત કરશે તે માટે શ્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈન સંઘોના પ્રતિનિધિ મંડળને પણ સાથે લઈ જશે.
