આર્થિક રાજધાની મુંબઈ પરનો તાણ હળવો કરવા માટે ચોથું મુંબઈ ઊભું કરવાની મહારાષ્ટ્ર સરકારની યોજના છે. આ માટે વાઢવણ નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ, બંદર, કોસ્ટલ રોડ ઊભું કરવાની અને બુલેટ ટ્રેનને સ્ટોપ આપવાની યોજના છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું.
મુંબઈમાં બેન્ક ઓફ અમેરિકાના 2025 ઈન્ડિયા કોન્ફરન્સઃ એક્સિલરેટિંગ ગ્રોથમાં તેમણે કહ્યું કે રાજ્યની શહેરી નિયોજન વ્યૂહરચનાનું લક્ષ્ય મુંબઈની ગીચતા ઓછી કરવાનું અને રોકાણો વધારવાનું છે. અમે કોસ્ટલ પ્રકાર ધ્યાનમાં લેતાં મુંબઈના વિસ્તરણની મર્યાદાઓને પહોંચી વળવા માટે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાનું શરૂ કરી દીધું છે. તમે વર્ટિકલ જઈ શકો છો, પરંતુ તેમાં પડકાર હોવાથી વધુ એક મુંબઈ નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ છે.

મુંબઈ અને નવી મુંબઈ હવે અટલ સેતુ સમુદ્રિ પુલથી જોડવામાં આવ્યા છે. આ 22 કિમીની અજાયબીએ શહેરના વિસ્તાર તરીકે અંતરિયાળ વિસ્તારોને જોડ્યા છે, જે ત્રીજી મુંબઈ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં બાંધકામ હેઠળનું નવી મુંબઈ એરપોર્ટ ઓગસ્ટમાં ઉદઘાટન કરવાનું નિર્ધારિત છે.આ પછી ચોથું મુંબઈ વાઢવણ બંદર નજીક ઊભું કરાશે. વાઢવણ નજીક એરપોર્ટનું નિયોજન થઈ રહ્યું છે. આ માટે સર્વે શરૂ થઈ ચૂક્યો છે. વાઢવણમાં સૌથી મોટું એરપોર્ટ, બુલેટ ટ્રેનને સ્ટપ અને કોસ્ટલ રોડને વાઢવણ સાથે જોડાણની યોજના છે.
હાલમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે ફક્ત મુંબઈ મહાનગર પ્રદેશ પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ મહારાષ્ટ્ર માટે છે. લોજિસ્ટિક્સ અને આધુનિક ઉત્પાદન પર આગામી નીતિઓ નોંધપાત્ર રોકાણો આકર્ષી રહ્યાં છે. નવા ઉદ્યોગોની વૃદ્ધિ વધી રહી છે. અમે શાસનમાં એઆઈ સહિત ટેક પ્રેરિત, સમાવેશક અને સમાન શાસનનો અમલ કરી રહ્યા છીએ.

દેશની એફડીઆઈમાં 40 ટકા મુખ્ય મંત્રીએ જણાવ્યું કે વિદેશી સીધું રોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. દેશમાં આવતા એફડીઆઈ રોકાણમાં મહારાષ્ટ્રનું યોગદાન 40 ટકા છે. ભારત ઈવી રાજધાની બની રહેશે, એવ ઘોષણા પણ તેમણે કરી હતી. મેક ઈન ઈન્ડિયા પહેલમાં પણ મહારાષ્ટ્રનું વર્ચસ છે. સંરક્ષણ ઉત્પાદન ક્લસ્ટર્સ ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં છે ત્યારે અસલી ઉત્પાદન કેન્દ્ર મહારાષ્ટ્રમાં છે. રાજ્ય ભારતની ડેટા સેન્ટર ક્ષમતામાં 60 ટકાનું યોગદાન આપે છે. ઉત્પાદન ક્ષેત્રમાં વૈશ્વિક સમુદાયમાંથી રુચિ સાથે મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ કેન્દ્ર પણ છે, એમ તેમણે જણાવ્યું હતું.
