વિવિધ શહેરોમાં રાંધણગેસની અછત સર્જાતાં નાગરિકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળના નિવેદનથી ચર્ચા વધુ તેજ બની છે. તેમણે સંકેત આપ્યો છે કે, કેન્દ્ર સરકારના એક પરિપત્ર મુજબ આગામી ત્રણ મહિનામાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) બંધ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ગેસ તરફ વળવા અપીલ કરી છે.
નવી દિલ્હીમાં હરદિપસિંહ પુરી અને મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં એલપીજી અને પીએનજી ગેસના પુરવઠાને વધુ સુગમ બનાવવાની તેમજ પીએનજી સેવાઓનો વિસ્તાર વધારવાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.બેઠક બાદ ભુજબળે જણાવ્યું કે પીએનજી હાલ સસ્તું અને વધુ અનુકૂળ વિકલ્પ છે, તેથી તેનો ઉપયોગ વધારવો જરૂરી છે.

ભુજબળે મહાપાલિકાઓને સૂચન કર્યું છે કે, નવી ઇમારતોને મંજૂરી આપતી વખતે પીએનજી કનેક્શન ફરજિયાત બનાવવું જોઈએ. આ સાથે પીએનજી પાઇપલાઇન માટેની તમામ પરવાનગીઓ 24 કલાકમાં આપવામાં આવશે, જેથી તેનો વિસ્તાર ઝડપથી થઈ શકે.
સરકાર પીએનજીના વિસ્તરણ માટે તાત્કાલિક પગલાં લેવાની તૈયારીમાં છે.ગેસની અછતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર કેરોસીનના ઉપયોગ પર પણ ભાર મૂકી રહી છે. કોર્ટની મંજૂરી બાદ, જ્યાં એલપીજી અને પીએનજી ઉપલબ્ધ નથી ત્યાં કેરોસીનનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.
જૂના ડીલરોને વિતરણ શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને પેટ્રોલપંપ દ્વારા પણ કેરોસીન સપ્લાય કરવાની યોજના છે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે એલપીજી અને પીએનજી વચ્ચેનો તફાવત પણ મહત્ત્વનો બની રહ્યો છે. એલપીજી પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ છે, જે સિલિન્ડરમાં સંગ્રહિત થાય છે, અને સમયાંતરે બુકિંગ કરવું પડે છે, જ્યારે પીએનજી મિથેન આધારિત ગેસ છે, જે પાઇપલાઇન દ્વારા સીધો ઘરોમાં પહોંચે છે, અને સતત પુરવઠો આપે છે.

સલામતીની દ્રષ્ટિએ પીએનજી વધુ સુરક્ષિત
સલામતીની દ્રષ્ટિએ પીએનજી વધુ સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તે હલકું હોવાથી લીક થવા પર ઉપર ફેલાય છે, જ્યારે એલપીજી નીચે ફેલાઈ શકે છે. ખર્ચની દ્રષ્ટિએ પીએનજી 20-30 ટકા સુધી સસ્તું પડી શકે છે, અને તેમાં સિલિન્ડર બુકિંગ અથવા સ્ટોરેજની ઝંઝટ નથી.
જોકે, એલપીજી હજુ પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે, જ્યારે પીએનજી માત્ર પાઇપલાઇન ધરાવતા શહેરોમાં જ ઉપલબ્ધ છે. એકંદરે, એલપીજીની અછત વચ્ચે સરકાર પીએનજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે અને વૈકલ્પિક ઉપાયો દ્વારા પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
