ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ નજીક આવતાં મંડળો અને મહાપાલિકા પણ તૈયારીમાં લાગી ગયા છે. ખાસ કરીને હવે વિસર્જન કરવા જનારા પર નિયંત્રણો લાદવાનો પ્રશાસને નિર્ણય લીધો છે. ગણેશ ચતુર્થી અને નવરાત્રિ દરમિયાન ઘણા લોકો ઊંડા સમુદ્રમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનો પ્રયાસ કરે છે. આમાં દુર્ઘટનાનું જોખમ રહેલું હોય છે અને પછીથી મૂર્તિઓને પાણીમાંથી કાઢવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આના ઉકેલ તરીકે, મહાપાલિકાએ દરિયામાં નીચી ભરતી રેખા પાસે મરીન નેવિગેશન બોય (માર્ગદર્શિકાઓ) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આનાથી વિસર્જન કેટલું દૂર હોવું જોઈએ તે નિર્દેશિત કરાસે. આથી વધુ ઊંડાણમાં વિસર્જન શક્ય બનશે નહીં.

મહાપાલિકાના પર્યાવરણ વિભાગે આ પ્રણાલી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. ગિરગામ ચોપાટી, દાદર શિવાજી પાર્ક, જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી મહાપાલિકાના અધિકારક્ષેત્રમાં આવે છે. ગણેશમૂર્તિઓ તેમ જ દેવીમૂર્તિઓનું વિસર્જન આ સમુદ્રમાં કરવામાં આવે છે. ઘણા લોકો મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સમુદ્રમાં ઊંડા જાય છે. આનાથી દુર્ઘટનાનું જોખમ રહેલું હોય છે. ઉપરાંત મૂર્તિઓનું વિસર્જન કર્યા પછી, બીજા દિવસે તેમને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ઘણી વખત, ઓછી ભરતી પછી, આ મૂર્તિઓ સમુદ્રકિનારે બહાર આવી જાય છે. આથી પ્રશાસન પાણીની સપાટી દર્શાવવા માટે નીચી ભરતી રેખા અને ઊંચી ભરતી રેખા વચ્ચે માર્કર લગાવશે. આથી વિસર્જન માટે ચોક્કસ અંતર સુધી જ જઈ શકાશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી બીજા દિવસે દરિયામાંથી મૂર્તિઓ સરળતાથી 100 ટકા બહાર કાઢવાનું શક્ય બનશે. આ દિશાસૂચક પ્રકાશ પર સૌર દીવો પણ હશે. જેથી મૂર્તિઓનું વિસર્જન કરનારાઓ તેને સ્પષ્ટ રીતે જોઈ શકે. આ કામ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.

