મુંબઈમાં મરાઠી ભાષાને મુદ્દે વેપારીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ભાયંદરમાં વેપારીઓએ ગુરુવારે સ્વયંભૂ બંધ પાળ્યો હતો, જેના પાછા આકરા પડઘા પડ્યા છે. મનસેએ આ બંધ ભાજપ પ્રણિત છે એવો આરોપ કરીને ભાજપ વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપી છે. આથી મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ઊથલપાથલ ઓર વધશે એવા સંકેત મળી રહ્યા છે.
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ ભાયંદરમાં એક દુકાનદારને માર માર્યો હતો. આ ઘટનાનો વિડિયો વાઈરલ થયો હતો. આ ઘટનાનો જોરદાર વિરોધ કરતાં, સમગ્ર મીરા ભાયંદરમાં વેપારીઓએ ગુરુવારે સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ રાખી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે મનસેએ આ બંધ પાછળ ભારતીય જનતા પાર્ટી હોવાનો આરોપ કરીને ભાજપ વિરુદ્ધ આંદોલન છેડવાની ચીમકી આપી હતી. મનસે નેતાઓ સંદીપ દેશપાંડે અને અવિનાશ જાધવે ભાજપ સામે આંદોલન કરવાની ચીમકી આપી છે.

નોંધનીય છે કે બુધવારે એક વિડિયો વાઈરલ થયો હતો, જેમાં મનસે કાર્યકરો દ્વારા એક દુકાનદારની મારપીટ કરવામાં આવતી હોય તેવું દેખાય છે. મરાઠા ભાષાના મુદ્દા પરથી વેપારીની મારપીટ કરાઈ હતી. મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું છે કે તે વેપારીએ પછીથી હાથ જોડીને માગી હતી. અમે મરાઠી ભાષાનું કોઈ પણ પ્રકારનું અપમાન સહન નહીં કરીશું. જો મરાઠીનું અપમાન કરવામાં આવશે તો તેનો જવાબ આપીને રહીશું.
મનસે નેતા અવિનાશ જાધવે આરોપ લગાવ્યો છે કે મીરા ભાચંદરમાં બંધ વેપારીઓએ નહીં પણ ભાજપ પ્રણિત હતો. હું બુધવારે આ મામલે વેપારીને મળ્યો હતો. તે સમયે અમારી વચ્ચે શું સંમતિ થઈ હતી? તે વેપારીને જ પૂછો. ભાજપ ક્યારેય મરાઠીઓ માટે વલણ લેતો નથી. ભારતીય જનતા પાર્ટીનો કયો નેતા સતત આ બંધ આગળ ધપાવતો હતો? એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. જાધવે એમ પણ કહ્યું છે કે ગુરુવારનો બંધ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હતો અને વેપારીઓએ બળજબરીથી તેમાં ભાગ લીધો હતો. અવિનાશ જાધવે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ મરાઠી લોકોનું અપમાન છે. અમે મીરા ભાયંદરના મરાઠી લોકોને પણ એક કરીશું અને આગ્રી કોળી સમુદાયને લઈને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મોરચો કાઢીશું.

For more details… Contact 9322529232 / 9324483455
