મહારાષ્ટ્ર વિધાનભવનના ઇતિહાસમાં ભારે શરમજનક ઘટના રુપે વિધાનભવનની લોબીમાં જ બે ધારાસભ્યો જિતેન્દ્ર અવ્હાડ અને ભાજપના ગોપીચંદ પડવળકરના ધારાસભ્યોએ છૂટા હાથે મારામારી કરી હતી. વિધાનભવન જાણે ગુંડાગીરીનો અખાડો હોય તેમ કાર્યકરોએ એકબીજા પર મુક્કાબાજી અને ગડદાપાટુનો વરસાદ વરસાવ્યો હતો અને એકમેકને બેફામ બિભત્સ શબ્દ પ્રયોગોથી નવાજ્યા હતા. આ મારામારીમાં કાર્યકરોએ એકબીજાનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. આ ઘટનાથી વિધાન ભવનની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો સર્જાયા છે. સ્પીકર રાહુલ નાર્વેકરે ઘટના અંગે અહેવાલ મગાવ્યો છે.
એન.સી.પી. (એસ.પી.)ના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે ગત અઠવાડિયે વિધાનભવનના પરિસરમાં ભાજપના સાંગલી જિલ્લાના ધારાસભ્ય ગોપીચંદ્ર પડવળકરને જોઈને મંગળસૂત્ર ચોર એવી નારાબાજી કરી હતી. આના લીધે પડવળકર ખૂબ જ નારાજ થયા હતા. આ બનાવને પાંચ દિવસ બાદ વિધાનભવનના ગેટ પર બન્ને ધારાસભ્ય વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ આજે ગોપીચંદ પડળકરના એક કાર્યકરે જીતેન્દ્ર આવ્હાડને મારવાની ધમકી આપી હતી. આ ઘટના તીવ્ર પ્રત્યાઘાત વિધાનભવનમાં આજે જોવા મળ્યા હતા. જીતેન્દ્ર આવ્હાડ અને ગોપીચંદ્ર પડવળકરના કાર્યકર્તા વચ્ચે વિધાનભવનની મુખ્ય લોબીમાં ખુલ્લે હાથે મારપીટ થઈ હતી. એક બીજાના કપડા ફાડયા હતા. ખુલ્લેઆમ અપશબ્દોના ઉચ્ચારણ થયા હતા.

ઘટનાને પગલે ભારે ધમાલ મચી ગઈ હતી. ધારાસભ્યો, અન્ય રાજકીય કાર્યકરો તથા સલામતી રક્ષકોએ દોડધામ મચાવી મૂકી હતી.
જો કે આ બનાવ અંગે ગોપીચંદ પડળલકરે ચૂપકીદી સેવી હતી. આ ઘટના બાબતે મારે કોઈ સંબંધ નથી. જીતેન્દ્ર આવ્હાડને ધમકી આપનારાને હું ઓળખતો નથી, એમ પડવળકરે સફાઈ આપી હતી. જોકે, બાદમાં તેમણે મંત્રી ચન્દ્રશેખર બાવનકુળેને મળી સમગ્ર બનાવ અંગે માફી માગી હતી.
જીતેન્દ્ર આવ્હાડેવિધાનસભામાં સંબોધન કરીને ખુલ્લી હવા ખાવા સભાગૃહની બહાર આવ્યો હતો. ત્યારે મને મારવા કેટલાક ગુંડાઓ આવ્યા હોવાનો દાવો આવ્હાડે કર્યો હતો. આ હુમલો કોણે કરાવ્યો તે સંપૂર્ણ મહારાષ્ટ્રને ખબર છે. આનાથી વધારે પુરાવો શું હોઈ શકે તેવો સવાલ તેમણે કહ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિધાનભવનમાં મવાલીઓને બોલાવાયા છે. ધારાસભ્યોની સુરક્ષા સામે સવાલ સર્જાયો છે. તેમણે પોતે કારમાંથી નીકળી રહ્યા હતા ત્યારે પડલકરે જાણીજોઈને દરવાજો પટકી પોતાને મારવા પ્રયાસ કર્યો હોવાનો આરોપ પણ કર્યો હતો.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આવી ઘટના વિધાનભવનને લાંછન લગાડે છે. આ બાબતે વિધાનસભા અધ્યક્ષ તથા વિધાન પરિષદના વડાએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

શિવસેના (યુ.બી.ટી.)ના વડા. ઉદ્ધવ ઠાકરેએ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારપીટ કરનારા ગુંડા હતા કે કાર્યકર્તા? જો આવી પરિસ્થિતિ અહીં ઊભી થતી હોય તો વિધાનભવનનો શું અર્થ રહ્યો? જેણે આ લોકોને વિધાનભવનમાં પ્રવેશ કરવાના પાસ અપાવ્યા હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેના નામ જાહેર થવા જોઈએ. એવી માગણી તેમણે કરી હતી.
આ પ્રકારની ગુંડાગીરી જો વિધાનભવન સુધી પહોંચી હોય તો મુખ્યપ્રધાન અને ગૃહમંત્રીએ તાબડતોબ કડક કાર્યવાહી કરવી જોઈએ. એમ તેમણે જણાવ્યું હતું. સભાગૃહમાં મંત્રી આશિષ શેલારે કહ્યું હતું કે આ ઘટના ગંભીર છે અને તેની સંપૂર્ણ તપાસ કરાવાશે. વિધાનભવનના સલામતી સ્ટાફ દ્વારા આ ઘટના સંદર્ભમાં બે વ્યક્તિઓને અટકમાં લેવામાં આવ્યા હતા.

For more details… Contact 9322529232 / 9324483455
